Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

ગિફ્ટ સિટી : આંતરરાષ્ટ્રીય સ્તરની નવી હોટલ શરૂ થઈ

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા હોટલ ગ્રાન્ડ મરક્યુરીનો પ્રારંભ : ગિફ્ટ સિટીની ઇકો સિસ્ટમમાં હોટલ વેલ્યુએડિશન હશે

અમદાવાદ,તા.૧૮ :  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોડેલ ગ્રીન ફિલ્ડ સ્માર્ટ સિટી તરીકે વિકસી રહેલા ગીફટ સિટીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની પ્રથમ હોટલ ગ્રાન્ડ મરકયુરીને ખૂલ્લી મૂકતાં ગિફટ સિટીની સમગ્ર ઇકોસિસ્ટમમાં આ હોટલ એક વેલ્યુએડીશન બનશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. આ ફાઇવસ્ટાર કક્ષાની ગ્રાન્ડ મરકયુરી હોટલ ગિફટ સિટીમાં બ્રિગેડ ગૃપ અને એકોર ગૃપના સંયુકત સાહસ તરીકે શરૂ થઇ છે. ૧પ૧ રૂમની સુવિધા ધરાવતી આ હોટલ ભારતમાં આ પ્રકારની ત્રીજી હોટલ બની છે. મુખ્યમંત્રીએ ગિફટ સિટીમાં હોસ્પિટાલીટી સેકટરની આ નવી શરૂઆતથી અહિં આવનારા વ્યવસાય-રોકાણકારોને વધુ સુવિધા મળશે તેમજ સ્થાનિક સ્તરે રોજગારીની તકો પણ વધશે તેવી અપેક્ષા આ અવસરે દર્શાવી હતી. તેમણે કહ્યું કે, ગિફટ સિટીનું જે સપનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના ગુજરાતના મુખ્યમંત્રી કાળ દરમિયાન જોયુ હતું તે આજે ગ્લોબલ ફાયનાન્સિયલ એન્ડ આઇ.ટી હબ તરીકે વિશ્વમાં વિકસ્યું છે.

          વિજય રૂપાણીએ ઉમેર્યુ કે રાજ્યમાં બિઝનેસ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ અને પ્રોત્સાહક પોલિસીઝને પરિણામે ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે. આ સંજોગોમાં વિકાસ સાથે સમૃદ્ધિ અને સમૃદ્ધિ સાથે સન્માનની દિશામાં એકોર-બ્રિગેડ ગૃપનું ગિફટ સિટીમાં આગમન ગિફટ સિટી અને હોટલ ગૃપ બેય માટે વિન-વિન સિચ્યુએશન બની રહેશે. મુખ્યમંત્રીએ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વર્લ્ડ કલાસ ટુરિઝમ એટ્રેકશન સેન્ટર છે તેને પણ આવી ઉચ્ચત્તમ હોટલ ચેઇનનો લાભ મળે તે દિશામાં એકોર-બ્રિગેડ ગૃપ આગળ વધે તેવી અપેક્ષા વ્યકત કરી હતી. તેમણે જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મૂલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા તાજમહાલની મૂલાકાત લેનારાઓ કરતા પણ વધી ગઇ છે.

          એટલું જ નહિ, સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે નવા પ્રવાસન આકર્ષણો પણ રાજ્ય સરકારે ઊભા કર્યા છે. તેમણે ઉમેર્યુ કે, ગુજરાતના હરેક નાગરિકને વિકાસના લાભ મળે તે આ સરકારે સુનિશ્ચિત કર્યુ છે. એટલું જ નહિ, પાછલા બે દશકમાં ગુજરાત વિકાસના નવા રોલ મોડેલ તરીકે પ્રસ્થાપિત થયું છે. આના પરિણામે ગિફટ સિટી સહિતના સ્થળોએ અન્ય રાજ્યોમાંથી ઊદ્યોગ-વ્યવસાય માટે આવનારા લોકો ગુજરાતને પોતાનું પરમેનેન્ટ સ્ટેટ બનાવવા ઉત્સુક રહે છે તેમ તેમણે ગૌરવ સહ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ગ્રાન્ડ મરકયુરી હોટેલ ગાંધીનગર, અમદાવાદ અને આસપાસના વિસ્તારોને શ્રેષ્ઠત્તમ હોસ્પિટાલિટી પૂરી પાડશે તેવી અપેક્ષા સાથે આ નવતર સાહસની સફળતા માટે અભિનંદન આપ્યા હતા.

(10:28 pm IST)