Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

આણંદ રૂરલ પોલીસે બાતમીના આધારે ઓચિંતાનો છાપો મારી આઇસર ટેમ્પામાં લવાયેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

આણંદ : આણંદ રૂરલ પોલીસે મળેલ ગુપ્ત બાતમીને આધારે અજરપુરા ખાતે દોડીયા તળાવ સીમ વિસ્તારમાં ઓચિંતો છાપો મારી એક આઈસર ટેમ્પામાં લવાયેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. 

વધુમાં પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આણંદ રૂરલ પોલીસની ટીમને ગુપ્ત માહિતી મળી હતી કે અજરપુરા સીમમાં વિદેશ દારૂ ભરેલ આઈસર ટ્રકમાં દારૂનું મોટાપાયે કટીંગ થવાનું છે. મળેલ ગુપ્ત માહિતીને આધારે પોલીસે અજરપુરા સીમમાં ગઈકાલ રાત્રિના સુમારે ઓચિંતો છાપો માર્યો હતો. જેમાં બાતમીવાળા સ્થળે એક આઈશર ટેમ્પો ઉભેલ મળી આવ્યો હતો. જો કે પોલીસને જોઈને ત્યાં હાજર બે થી ત્રણ શખ્સો અંધારાનો લાભ લઈ નાસી છૂટયા હતા. પોલીસે પીછો કરતા તેઓ ખેતરાળુ રસ્તે ફરાર થઈ ગયા થયા હતા. 

 આમ વિદેશી દારૂનું બુટલેગરો વચ્ચે કટિંગ થાય તે પૂર્વે જ પોલીસે તેઓની ડીલને નિષ્ફળ બનાવી હતી. પોલીસે આઈસર ટેમ્પાની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂના જુદી-જુદી બ્રાન્ડના ૮૮૩૨ નંગ ક્વાટરીયા, ૩૩૬ નંગ વ્હીસ્કીની બોટલો તથા બીયરના ૪૩૨ નંગ ટીન (કુલ કિં. રૂા.૧૦,૬૦,૮૦૦) મળી આવ્યા હતા. 

આણંદ રૂરલ પોલીસે સ્થળ ઉપરથી આઈસર ટેમ્પો, વિદેશી દારૂનો જથ્થો, બિયરના ટીન, ટ્રકમાં રાખેલ પરચુરણ સામાન તથા બે બાઈક મળી કુલ રૂા.૨૪,૦૧,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કરી મુદ્દામાલ જપ્ત કરી પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(4:23 pm IST)