Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

ગુજરાતમાં ૩૦૦૦ સંપતિઓ ટાંચમાં લેવાની જોવાઇ રહી છે રાહ

૧૮૮૫ કરોડ રૂપિયા પાછી મેળવવા બેંકોએ ૩૪૮૭ કેસ કર્યા

અમદાવાદ તા. ૧૯ : બેંકોની નોન પર્ફોર્મીંગ એસેટસનો બોજ વધી રહ્યો છે ત્‍યારે સીક્‍યુરીટાઇઝેશન એન્‍ડ રીકન્‍સ્‍ટ્રકશન ઓફ ફાયનાન્‍શીયલ એસેટસ એન્‍ડ એન્‍ફોર્સમેન્‍ટ ઓફ સીક્‍યોરીટી ઇન્‍ટ્રેસ્‍ટ (એસએઆરએફએઇએસઆઇ) એકટ ૨૦૦૨ હેઠળ ડીફોલ્‍ટરોની સંપત્તિ જપ્‍ત કરીને નાણા પરત મેળવવા પર વધારે ધ્‍યાન અપાય તેવું દેખાઇ રહ્યું છે. એટલે જ જિલ્લા મેજીસ્‍ટ્રેટો પાસે રીકવરીના કેસોમાં એક ત્રિમાસીકમાં જ ૪૩ ટકાનો વધારો થયો છે.
માર્ચ ૨૦૨૨માં પુરા થયેલા ત્રિમાસીકમાં ૨૪૨૯ પેન્‍ડીંગ કેસો હતા જે જૂન કવાર્ટરના અંતે વધીને ૩૪૮૭ થયા હોવાનું સ્‍ટેટ લેવલ બેન્‍કર્સ કમિટિ (એસએલબીસી)ના રિપોર્ટના આંકડામાં કહેવાયું છે. એસએલબીસીની ૧૩૪મી બેઠક શનિવારે અમદાવાદમાં બેંક ઓફ બરોડા ખાતે મળી હતી.
ગુજરાતમાં ૧૮૮૫ કરોડ રૂપિયાની રિકવરી માટે બેંકો દ્વારા જિલ્લા મેજીસ્‍ટ્રેટ સમક્ષ રહેલા ૩૪૮૭ કેસો પેન્‍ડીંગ છે. જેમાંથી ૨૭૮૪ કેસો (૧૫૩૫ કરોડ રૂપિયાના) ૬૦થી વધારે દિવસોથી પેન્‍ડીંગ છે. માર્ચ ૨૦૨૨ના પુરા થયેલા ત્રિમાસીક દરમિયાન બેંકીંગ સેકટરના લોકોએ રાજ્‍યના નાણા વિભાગને ૬૦ દિવસથી વધારે સમયથી પેન્‍ડીંગ અરજીઓનો નિકાલ કરવા માટે જિલ્લા કલેકટરોને દિશાનિર્દેશ આપવા માંગણી કરી હતી. એક ટોચના સૂત્રએ કહ્યું, ‘અમે અનુરોધ કર્યો હતો કે જિલ્લા મેજીસ્‍ટ્રેટ દ્વારા ઓર્ડર અપાઇ ગયો હોય તો સંબંધિત બેંક અથવા નાણાકીય સંસ્‍થાને સંપત્તિનું તાત્‍કાલિક હસ્‍તાંતરણ કરવામાં આવે તેનું નાણા વિભાગ ધ્‍યાન રાખે.'
જો કે આવું કશું બન્‍યું નથી અને પેન્‍ડીંગ કેસો વધી રહ્યા છે. ૯૪૪ કેસો જેમાં ૯૭૮ કરોડ રૂપિયા અટવાયેલા છે, તેના ઓર્ડરો જિલ્લા મેજીસ્‍ટ્રેટ દ્વારા અપાઇ ગયા હોવા છતાં હજુ સુધી સંપત્તિ બેંકોને સોંપાઇ નથી.

 

(12:07 pm IST)