Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની AIBEની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત 10 દિવસ લંબાવાઇ: હવે 25 સપ્ટેમ્બર છેલ્લી તારીખ

દેશના જુદા જુદા રાજયોમાંથી સ્ટેટ બાર કાઉન્સિલમાં નોંધાયેલા આશરે 75 હજાર જેટલાં વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે.

ગાંધીનગર: બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની AIBEની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે. અગાઉ 15મી સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરવાના હતા. તેના સ્થાને 10 દિવસ મુદત લંબાવીને 25 સપ્ટેમ્બર છેલ્લી તારીખ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં દેશના જુદા જુદા રાજયોમાંથી સ્ટેટ બાર કાઉન્સિલમાં નોંધાયેલા આશરે 75 હજાર જેટલાં વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે.

ગુજરાત બાર કાઉન્સિલના એનરોલમેન્ટ કમિટીના ચેરમેન અનિલ સી. કેલ્લાં તથા સભ્યો દિપેન દવે અને અનિરુધ્ધસિંહ ઝાલાએ જણાવ્યું છે કે, વર્ષ 2010 પછી કોઇપણ ધારાશાસ્ત્રીએ દેશના કોઇપણ સ્થળે કોર્ટમાં પ્રેકટીસ કરવી હોય તો તે ધારાશાસ્ત્રીએ ફરજિયાત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની AIBEની પરીક્ષા પાસ કરવી પડે છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સામાન્ય રીતે 1 વર્ષમાં બે વખત પરીક્ષા લેતી હોય છે. પરંતુ કોરોનાના સમયમાં છેલ્લાં ઘણાં સમયથી આ પરીક્ષા લેવાયેલી નથી.

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આ વર્ષે 31 ઓક્ટોબરના રોજ સમગ્ર દેશમાં પરીક્ષા યોજાનારી છે. જેમાં દેશના જુદા જુદા રાજયોમાંથી સ્ટેટ બાર કાઉન્સિલમાં નોંધાયેલા આશરે 75 હજાર જેટલાં ધારાશાસ્ત્રીઓ આ પરીક્ષામાં બેસનાર છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં સને 2021માં અત્યારસુધીમાં 4200થી વધુ ધારાશાસ્ત્રીઓએ નોંધણી કરાવી છે.

આ ધારાશાસ્ત્રીઓ માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની AIBEની પરીક્ષાનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલાં 15-9-2021 સુધીની હતી. પરંતુ ગુજરાત બાર કાઉન્સિલ તરફથી ગુજરાત યુનિવર્સીટીના લો ફેકલ્ટીના પરિણામો મોડા આવ્યા હોવાથી ફોર્મ ભરવાના સમયમાં વધારો કરવાની માંગણી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન સમક્ષ કરવામાં આવી હતી. જેને ગ્રાહ્ય રાખીને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની AIBEની પરીક્ષાનું ફોર્મ ભરવાની તારીખ 25 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે.

(7:31 pm IST)