Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરામાં અઢી વર્ષીય પુત્રની હત્યા કરી ગર્ભવતી મહિલાએ છઠ્ઠા માળેથી પડતું મૂકી જીવનલીલા સંકેલી

સુરત:જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા ખાતે ઔદ્યોગિક વિસ્તારમાં ગર્ભવતી મહિલાએ પોતાના અઢી વર્ષના પુત્રને મારી નાખી બિલ્ડીંગની અગાસીમાં છઠ્ઠા માળેથી કુદી આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે ગર્ભવતી મહિલા અને પુત્રના મોત અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

કડોદરા શ્રીનિવાસ ગ્રીનસીટી સાંઈ યુનિકમાં બીજા માળે મહેશ જિલાજીત પાંડે (મૂળ રહે. દંગહદ, જી.ભદોઈ, ઉત્તર પ્રદેશ) પત્ની બિનિતાદેવી (ઉ.વ.૩૨), પુત્ર આયન અને ક્રિષ્ના (ઉ.વ.૨) તેમજ પિતાજી જીલાજીત પાંડે સાથે રહે છે અને સુરતના સચીન ખાતે સંચા મશીનમાં કામ કરે છે. મહેશની પત્ની બિનિતાદેવી હાલ પાંચ માસની ગર્ભવતી હતી. મંગળવારે રાત્રીના સમયે તમામ જમી લીધા બાદ બિનિતાદેવી પોતાના બંને પુત્રો આયન અને ક્રિષ્ના સાથે એક રૃમમાં ઉંઘી ગઈ હતી. જ્યારે બીજા રૃમમાં મહેશ પાંડે પિતા જીલાજીત સાથે ઉંઘી ગયા હતા.

દરમિયાન બિનિતાદેવીએ મળસ્કે ચાર વાગે સુરતના ઉધના ખાતે રહેતી પોતાની નણંદ સીમાને મોબાઈલ ઉપર ફોન કરી પોતે નાના પુત્ર ક્રિષ્નાને મારી નાખી બિલ્ડિંગના છઠ્ઠા માળે અગાસીમાં જઇ નીચે કુદી આત્મહત્યા કરૃં છું તેમ કહી ફોન કાપી નાંખ્યો હતો. અને છઠ્ઠા માળેથી બિનિતાદેવી નીચે કુદી પડતા માથાના ભાગે ગંભીર ઇજા થતા મોત થયું હતુ. બનાવની જાણ થતાં ઘટનાસ્થળે દોડી ગયેલી કડોદરા પોલીસે હાલ મહેશ પાંડેની ફરિયાદ લઇ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ક્રિષ્નાની લાશનું પીએમ કરાવતા શ્વાસ રૃંધાવાથી મોત થયાનો ડોક્ટરે પ્રાથમિક રિપોર્ટ આપતા મરનાર બિનિતાદેવી વિરૃધ્ધ બે વર્ષના પુત્ર ક્રિષ્નાની હત્યા અંગે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. ક્રિષ્નાનો આગામી તા.૨૩-૦૮-૨૦૨૧ ના રોજ જન્મદિવસ હતો. પણ ત્રણ વર્ષ પુરા થાય તે પહેલાં મોત થયું હતુ.

(4:56 pm IST)