Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

આણંદ નજીક વાવલોડમાં વિસર્જન કરવા ગયેલ ખેડાસા ગામના બે શખ્સોના નદીમાં ડૂબી જવાથી મોત નિપજતા ગામમાં શોકની લાગણી

આણંદ : માં દશામાંના વ્રતની પુર્ણાહુતિ પ્રસંગે દશામાંની મૂર્તિનું વિસર્જન કરવા માટે બોરસદ તાલુકાના વાલવોડ ગામ નજીકથી પસાર થતી મહી કાંઠે ગયેલ ખેડાસા ગામના બે વ્યક્તિઓને વિસર્જન દરમ્યાન નદીના પાણીમાં ડુબી જવાના કારણે કરૂણ મોત નીપજતા નાનકડા ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. ખેડાસા ગામના બે યુવકોના કરૂણ મોત નીપજતા આણંદ ફાયરબ્રિગેડની ટીમ તુરંત ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીમાંથી બંને યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.

દસ દિવસ માં દશામાંની આરાધના કર્યા બાદ આજે આણંદ જિલ્લામાં ભાવવિભોર મને માઈભક્તોએ દશામાંને વિદાય આપી હતી. જો કે બોરસદ તાલુકાના વાલવોડ ગામે આનંદનો ઉત્સવ શોકમાં પલ્ટાઈ ગયો હતો. મળતી માહિતી મુજબ બોરસદ તાલુકાના વાલવોડ ગામ નજીકથી પસાર થતી મહી નદીના કાંઠે આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો ધાર્મિક કાર્યક્રમો અર્થે આવે છે. દશામાંના વ્રતની પૂર્ણાહુતિ પ્રસંગે ખેડાસા ગામના લોકો માતાજીની મૂર્તિના વિસર્જન માટે વહેલી સવારથી વાલવોડ મહી કાંઠે આવ્યા હતા. દરમ્યાન ખેડાસા ગામે રહેતા નંદુભાઈ ખોડાભાઈ મકવાણા અને મયુરભાઈ મહેન્દ્રભાઈ મકવાણા અચાનક મહી નદીના વહેણમાં તણાવા લાગ્યા હતા. તણાઈ રહેલ બંને વ્યક્તિઓને બચાવવા માટે કિનારે ઉભેલ કેટલાક લોકોએ પ્રયત્નો પણ કર્યા હતા. પરંતુ બંને વ્યક્તિઓ નદીના ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતા મોતને ભેટયા હતા. ઘટનાની જાણ ભાદરણ પોલીસને થતાં પોલીસની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અંગે આણંદ ફાયર વિભાગને જાણ થતાં ફાયર વિભાગની ટીમ પણ વાલવોડ ખાતે દોડી આવી હતી અને નદીના પાણીમાં શોધખોળ હાથ ધરી બંને વ્યક્તિઓના મૃતદેહને શોધી પાણીમાંથી બહાર લવાયા હતા. ત્યારબાદ મૃતકોના મૃતદેહનો પોસ્ટમોર્ટમ અર્થે બોરસદની સરકારી હોસ્પિટલોમાં ખસેડાયા હતા. અચાનક ખેડાસા ગામના બે વ્યક્તિઓના પાણીમાં ડુબી જવાના કારણે મૃત્યું નીપજતાં સમગ્ર ખેડાસા ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

 

(4:55 pm IST)