Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

અમદાવાદમાં વાઇરલ ફીવરના કેસમાં જબરો વધારો : મચ્છરજન્ય રોગચાળો વધવાની ભીતિ: તંત્રમાં દોડધામ

છેલ્લા 14 દિવસમાં 75,342 વાઇરલ ફીવર, મેલેરિયાના 60 અને ડેન્ગ્યૂના 64 કેસ નોંધાયા :આઉટડોર ટ્રીટમેન્ટ લેનારા દર્દીઓની સંખ્યા તો 10 ગણી

અમદાવાદ :શહેરમાં બેવડી ઋતુના કારણે વાઇરલ ફીવરના કેસો વધી રહ્યાં છે સાથે મચ્છરજન્ય રોગચાળો પણ માથુ ઉચકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ ખાતા દ્વારા તા.1થી 14 ઓગસ્ટના સમયગાળા દરમિયાન 75,342 વાઇરલ ફીવરના કેસ નોંધ્યા હતા જેના લોહીના નમુના તપાસ કરાઇ હતી પણ મચ્છરજન્ય રોગચાળો હોવાની પુષ્ટી થઇ ન હતી.

છેલ્લા 14 દિવસમાં અમદાવાદ શહેરમાં હોસ્પિટલમાં મેલેરિયાના 60, ડેન્ગ્યૂના 64 અને ચીકનગુનિયાના 47 અને ઝેરી મેલેરિયાના 3 દર્દીઓ દાખલ થયા હતા જ્યારે આઉટડોર ટ્રીટમેન્ટ લેનારા દર્દીઓની સંખ્યા તો 10 ગણી માનવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિ.એ શહેરમાં છેલ્લા 14 દિવસમાં ડેન્ગ્યૂના શંકાસ્પદ હોય તેવા 2258 સિરમ સેમ્પલની ચકાસણી કરી હતી પણ માત્ર 64 જેવા કેસ સામે આવ્યા હતા.

અમદાવાદ શહેરમાં 64 ડેન્ગ્યૂના કેસો નોંધાયા હતા જેના કારણે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ ખાતા દ્વારા દર્દીઓના ઘરેથી મચ્છરોનું બ્રિડિંગ શોધવાની કવાયત કરી હતી જે પૈકી મોટાભાગના દર્દીઓના ઘરેથી મચ્છરોનું બ્રિડિંગ મળી આવ્યું હતુ જેમાં ગોતામાં રોહિતનગર સેક્ટર પાંચ, ગોતામાં ભાગ્યોદય ચોક, ચાંદલોડિયામાં નિરાંતનગર સોસાયટી, થલતેજમાં શ્રીરામ એપાર્ટમેન્ટ, સરખેજના અલહબીબ ફ્લેટ, દરિયાપુરમાં નવી વડવાળી પોળ, ઇન્દ્રપુરીમાં ઉદયનગરની ચાલી, નરોડામાં ચંદ્રલોક સોસાયટી, રાણીપમાં સરસ્વતીનગર બે અને નવરંગપુરામાં રાજહંસ સોસાયટીમાં મચ્છરોનું બ્રિડિંગ મળી આવ્યું હતુ.

આ સિવાય અમદાવાદ શહેરમાં છેલ્લા 14 દિવસમાં 313 બાંધકામ સાઇટોની ચકાસણી કરાઇ હતી જે પૈકી 51માં મચ્છરોનું બ્રિડિંગ મળતાં નોટિસ આપી હતી જ્યારે 56 હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો. આ સિવાય અમદાવાદ મ્યુનિ.એ 176 શૈક્ષણિક સંસ્થાઓની ચકાસણી કરી હતી જ્યારે મોલ અને કોર્મર્શીયલ કોમ્પલેક્ષોની ચકાસણી કરી મચ્છરોનું બ્રિડિંગ મળતાં 68ને નોટિસ આપી હતી.

અમદાવાદ શહેરમાં છેલ્લા 14 દિવસમાં રોગચાળાના આંકડા

રોગ                   કેસ

સાદા મેલેરિયા     60
ઝેરી મેલેરિયા      03
ડેન્ગ્યૂ                  64
ચીકનગુનિયા      47
ઝાડાઉલટી        191
કમળો                 86
ટાઇફોઇડ           152

(12:20 am IST)