Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

સરકાર ખેડૂતોને પ્લાસ્ટીકના ડ્રમ-ટબ માટે સહાય કરશે

રાજ્ય સરકારની યોજના અંતર્ગત : આઇ-ખેડૂત પોર્ટલ પર ૩૧મી સુધી અરજી કરી શકાશે

સુરત,તા.૧૮ : રાજ્યના ખેડૂતોને મલ્ટીપર્પઝ ઉપયોગ હેતુ ડ્રમ તેમજ પ્લાસ્ટીકના ટબની ખરીદી માટે સહાય આપવાની રાજ્ય સરકારની યોજના અમલી છે. આ યોજના અંતર્ગત પ્લાસ્ટીકનું ડ્રમ અને ટબ વિનામૂલ્યે મેળવવા રાજ્યના ખેડૂતોએ આઇ-ખેડૂત પોર્ટલ પર તા.૩૧/૮/૨૦૨૧ સુધીમાં અરજી કરવાની રહેશે તેમ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે. આ યોજના અંતર્ગત આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરેલ પાત્રતા ધરાવતા રાજ્યના ખેડૂતોને મલ્ટીપર્પઝ ઉપયોગ હેતુ ૨૦૦ લીટરનું એક પ્લાસ્ટીક ડ્રમ અને ૧૦ લીટરના બે પ્લાસ્ટીકના ટબનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.

પાત્રતા ધરાવતા દિવ્યાંગ ખેડૂતો અને મહિલા ખેડૂતોની અરજીઓને અગ્રીમતા આપવામાં આવશે. આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી તેની પ્રિન્ટ કાઢી સહી/અંગુઠો કરી, લાગુ પડતા આધારો સાથે ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી (ખેતી)/તાલુકા અમલીકરણ અધિકારીની કચેરીને અરજી કર્યાના સાત દિવસમાં મોકલી આપવાની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સંયુક્ત ખાતાના કિસ્સામાં એક ખાતા દીઠ એક જ ખેડૂતને તથા એકથી વધુ ખાતાના કિસ્સામાં એક ખેડૂતને મહત્તમ એક જ ખાતા માટે લાભ મળવાપાત્ર થશે તેમ ખેતી નિયામકની કચેરીમાં જણાવાયુ છે.

(8:57 pm IST)