Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

ખરાબ રસ્તા અને ભુવાથી અકસ્માતોનો ખતરો : ગાજવીજ સાથે વરસાદી ઝાપટા જારી રહેવાની સંભાવના

અમદાવાદ, તા. ૧૯ : અમદાવાદ શહેરમાં વરસાદમાં બ્રેકની સ્થિતિ રહી છે. વરસાદમાં બ્રેક રહી હોવા છતાં જુદા જુદા વિસ્તારમાં સાફ સફાઈ અને અન્ય પ્રાથમિકતા સાથેના કામ જારી રહ્યા છે. અમદાવાદ શહેરમાં હજુ સુધી ૪૭૦.૩ મીમી સુધીનો સિઝનલ વરસાદ થયો છે. અમદાવાદ શહેરમાં પણ છેલ્લા બે-ત્રણ દિવસથી માહોલ રહ્યો છે પરંતુ આજે વરસાદમાં બ્રેકની સ્થિતિ રહી હતી. આંશિક વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, ગાજવીજ સાથે હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. અમદાવાદ શહેરમાં આજે મહત્તમ તાપમાન ૩૩ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૫.૯ ડિગ્રી નોંધાયું હતું. બીજી બાજુ અમદાવાદ શહેરમાં હાલમાં પડેલા વરસાદના કારણે જુદા જુદા વિસ્તારોમાં રસ્તાઓની હાલત ખુબ જ કફોડી થઇ ગઇ છે અને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. રસ્તાઓની સ્થિતિને સુધારવા માટેની માંગ પણ ઉઠી રહી છે.

     રસ્તાઓની ખરાબ હાલતના કારણે અકસ્માતનો ખતરો પણ વધી ગયો છે. બીઆરટીએસ અને એએમટીએસ રુટ તેમજ ભરચક રહેતા વિસ્તારમાં ખરાબ રસ્તાઓ જોખમી બની ગયા છે. સાથે સાથે શહેરના જુદા જુદા વિસ્તારમાં ભુવા પડવાના બનાવો જારી રહ્યા છે. જેથી અમદાવાદ મ્યુનિસિલ કોર્પોરેશન દ્વારા વિવિધ પગલા લેવાની તાકિદની જરૂરિયાત અનુભવાઈ રહી છે. મેટ્રોની કામગીરી વિવિધ વિસ્તારમાં ચાલી રહી હોવાથી પણ વધારે જટિલ સમસ્યા ઉભી થઇ ગઇ છે. ખાડા અને ભુવાના પરિણામ સ્વરુપે હાલત કફોડી બની છે. આગામી દિવસોમાં તંત્ર દ્વારા પગલા લેવામાં આવશે તેમ અધિકારીઓ કહી રહ્યા છે પરંતુ વરસાદના કારણે ધોવાઈ ગયેલા રસ્તા અકસ્માતોને આમંત્રણ આપી રહ્યા છે જેથી સ્થાનિક લોકો વધુ સાવચેત રહે તેવી પણ જરૂર છે.

(8:38 pm IST)