Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

આવતીકાલે ૨૦ ઓગષ્ટે ૭૫માં જન્મદિને ભાવવંદના

રાજીવ ગાંધી વ્યકિત નહિ વિચાર : દેશને એકવીસમી સદીમાં લઇ જવાના સ્વપ્ન શિલ્પી

આવતીકાલે ૨૦ ઓગષ્ટે  સ્વ. રાજીવ ગાંધીનો ૭૫ મો જન્મદિન છે, ત્યારે વંદન કરું છું. રાજીવજી એ દેશના કરોડો યુવાનોની આંખમાં સપનાં ભરવાનું મહાન કામ કર્યું છે. આજે ભારતીય યુવાન વિશ્વ ફલક પર વિસ્તરી રહ્યો છે, એનાં મૂળમાં રાજીવ ગાંધીની દિર્ઘર્દષ્ટિ ભરી નીતિઓ કારણભૂત છે. રાજીવ ગાંધીએ ભારતીય લોકશાહીને મજબૂત બનાવવા યુવાનોને ૧૮ વર્ષે મતાધિકાર આપ્યો. રાજીવ ગાંધી એ વડાપ્રધાન તરીકે હંમેશા દેશના ભવિષ્યને ધ્યાનમાં રાખી ને નીતિઓ ઘડી અને મહત્વપુર્ણ નિર્ણય લીધાં. રાજીવ ગાંધીનો ૨૦ ઓગસ્ટ, ૧૯૪૪ના રોજ મુંબઇમાં જન્મ થયો હતો. આકાશમાં ઉડાન ભરવા કોમર્શિયલ પાયલોટનું લાઇસન્સ મેળવ્યું હતું. ત્યારબાદ તેઓ રાષ્ટ્રીય વિમાની સેવા ઇન્ડિયન એરલાઇન્સના પાયલોટ બન્યા હતા.

શ્રી રાજીવ ગાંધી ૪૦ વર્ષની વયે ભારતના સૌથી યુવાન વડાપધાન બન્યા હતા. તેઓ  ઉમદા અને મનોહર વ્યકિતત્વ ધરાવતાની સાથે સહજતાથી સમાજના તમામ વર્ગોના લોકો સાથે હળી મળી જતા હતા. એક જાજરમાન માતા ઈન્દીરાજીના પુત્રની અસર પણ તેમના વ્યકિતત્વમાં પ્રતિબિંબિત થતી હતી. દેશમાં આમૂલ પરિવર્તન લાવનારા રાજીવ ગાંધીને દેશના ઇતિહાસમાં સૌથી જંગી બહુમતી એટલે કે, લોકસભાની કુલ ૫૪૧ પૈકી ૪૧૪ બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો હતો. ૩૧ ઓકટોબર, ૧૯૮૪ના રોજ તેમની માતાની થયેલી ક્રૂર હત્યાના કરુણ સંજોગોમાં પ્રધાનમંત્રી અને કોંગ્રેસના પ્રમુખ એમ બંને પદ સંભાળવા કોઇ પણ વ્યકિત માટે મુશ્કેલ બની રહે. છતાં તેમણે નોંધપાત્ર ગૌરવ અને નિયંત્રણ સાથે વ્યકિતગત શોક અને રાષ્ટ્રીય જવાબદારીઓ એમ બંને ભારનું વહન કર્યું હતું રાજીવ ગાંધીના કાર્યકાળમાં નવી શિક્ષણ નીતિ  દાખલ કરીને આધુનિક ભારત, સાક્ષર ભારતના નિર્માણના કામને વેગવંતુ બનાવવામાં આવ્યું. શિક્ષણમાં કોમ્પ્યુટર, ટેકનોલોજીને ે દાખલ કરીને વિધિવત રીતે ભારતના ભાવિ માટે જરૂરી કોમ્પ્યુટર ક્ષેત્રના નિષ્ણાંતો તૈયાર કરવાનું કામ આગળ ધપાવવામાં આવ્યું. દેશમાં ગરીબ, સામાન્ય વર્ગના બાળકોને ઉત્તમ શિક્ષણ મળી શકે તે માટે જવાહર નવોદય વિદ્યાલય દેશ ભરમાં સ્થાપી પરિણામે આજે અનેક વિદ્યાર્થીઓ ગુણવત્તા સભર શિક્ષણ મેળવીને આઈ.આઈ.ટી., એન. આઈ.ટી. સહિતની રાષ્ટ્રિય સંસ્થામાં ઉચ્ચ શિક્ષણ મેળવીને ભારત દેશ માટે કામ કરી રહ્યાં છે. દેશમાં ઓરી, અછબડા, શિતળા, પોલીયો સહિતના રોગો સામેની રસી ઉપલબ્ધ ન હોવાથી રાજીવ ગાંધીએ તાત્કાલિક અસરથી વૈજ્ઞાનિકોને બોલાવીને ઘર આંગણે રસીનું ઉત્પાદન શક્ય બનાવ્યું. ત્યારબાદરસીકરણના રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમથી પોલીયોમુકત, શિતળામુકત ભારત બની શક્યું. રાજીવજીએ ટેકનોલોજી  મીશનની સ્થાપના દ્વારા તેલબીયામાં શોધ-સંશોધન, પરિણામે ઉત્પાદનમાં વધારાથી ખેડૂતો સાથે ભારતને પણ કૃષિ ક્ષેત્રે અનેક ગણો ફાયદો થઈ રહ્યો છે. શુધ્ધ પીવાનું પાણી નાગરિકોનો અધિકાર છે તે દિશામાં પણ ટેકનોલોજી ના માધ્યમ થી મોટા પાયે કામગીરી શરૂ થઈ. રાજીવ ગાંધી વ્યકિત નહિ પણ વિચાર કારણ કે, રાજીવજી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી આધુનિક શિક્ષણ, કોમ્પ્યુટર શિક્ષણ, સંચારક્રાંતિ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી, કોમ્પ્યુટર, તેલબીયા, રસીકરણ, શુધ્ધ પીવાનું પાણી, પર્યાવરણ સહિતના વિચારોના ર્દઢપણે અમલીકરણના કારણે આજે ભારત વિશ્વના નકશા પર અવલ્લ નંબરે છે. જાહેર સાહસો ઉભા કરીને ભારતની તિજોરીને ફાયદો થાય તેવા વિચાર સાથે અનેક ઉદ્યોગ સાહસોનું આધુનિક ટેકનોલોજી  રૂપાંતર કરીને સાર્વજનિકરણ કર્યું. જેના માટે સૌ ભારતીયોને ગૌરવ છે.

ભારતનાં ૬ લાખ ગામડાંઓનાં ઉત્કર્ષ માટે રાજીવજીના અથાગ પ્રયાસોથી પંચાયતી રાજના મંડાણ કરીને છેવાડાના સ્તરે લોકતંત્રને એક નવો જ રાહ ચીંધી બંધારણમાં ૭૩મા અને ૭૪મા સુધારાને દાખલ કરી ભારતમાં પંચાયતીરાજની વાસ્તવિકતા સાથે મહિલાઓને ૩૩ ટકા અનામતની જોગવાઈ મહિલા સશકિતકરણનું ઉત્તમ કાર્ય કર્યું. રાજીવજી દ્રઢપણે એવું માનતા હતા કે,  આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી જ રાષ્ટ્રને ગરીબીમાંથી મુકિત અપાવી શકે. વિજ્ઞાન અને ગરીબી સહઅસ્તિત્વ ધરાવી શકે નહીં.  ભારતીય ઉદ્યોગનો તેની સંપૂર્ણ ક્ષમતા સાથે વિકાસ થાય. રાજીવજી માટે પ્રજામાં સમાનતાનું અદકેરું મહત્વ હતું. . રાજીવજી માટે રાષ્ટ્રીય એકતા એ ભારતનું જીવન અને આત્મા હતો. વડાપ્રધાન તરીકે તેમણે પંજાબ સમજૂતિ, આસામ સમજૂતિ અને મિઝોરમ સમજૂતિ દ્વારા ઉત્તરથી પૂર્વોત્તર સુધી શાંતિ લાવવા માટે આતંકવાદ સામે સફળતાપૂર્વક લડત આપી હતી. રાજીવજી માટે રાષ્ટ્ર એ અંગત હિતથી તેમજ પક્ષના હિતથી પણ પર હતું. આતંકવાદ અને ઉગ્રવાદ પર શાંતિનો વિજય થયો હતો.

તેમણે હંમેશાં જણાવ્યું હતું કે, તેઓ ભારતને સંગઠિત રાખવા માટે કોઈ પણ બલિદાન આપવા તૈયાર છે. અલબત્ત, જ્યારે આપણે શ્રીપેરામ્બુદુરમાં આતંકવાદના હાથે શ્રી રાજીવ ગાંધીને ગુમાવ્યા ત્યારે સમગ્ર રાષ્ટ્રને તેની કિંમત ચૂકવવી પડી હતી. આધુનિક વિચારધારા અને નિર્ણાયક મિજાજ ધરાવતા રાજીવ ગાંધી વિશ્વની આધુનિક ટેકનોલોજીથી પરિચીત હતા. તેમણે વારંવાર કહ્યું હતું કે દે્શની એકતા અને અખંડિતતા કાયમ રાખવા ઉપરાંત એક હેતુ તે દેશને ૨૧મી સદીમાં પ્રવેશ કરાવવાનો રહેશે. આ સ્વપ્ન સિદ્ધ થઈ રહ્યું છે. આવો, સાથે મળીને રાજીવજીના સ્વપ્નના ભારત નિર્માણમાં આપણે યોગદાન આપીએ, એ જ સાચી શ્રધ્ધાસુમન-સ્મરણાંજલી. રાજીવ ગાંધીને સલામ.

- ડૉ. મનિષ એમ. દોશી

 મુખ્ય પ્રવકતા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ

અમદાવાદ મો. ૯૪૨૬૦ ૦૧૫૯૯

(4:36 pm IST)