Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

કઠલાલ નજીક અકસ્માતમાં ત્રણના મોત

અમદાવાદ:ઈન્દોર હાઈવે ઉપર બગડોલ તેમજ કઠલાલ નજીક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ જણાંને ઈજા થઈ હતી. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ કઠલાલ તાલુકાના અરાલમાં રહેતા કરણભાઈ સાદુરભાઈ ભરવાડ ગત તા.૧૬-૬-૧૮ના વહેલી સવારે ઊંટગાડી લઈને અમદાવાદ-ઈન્દોર હાઈવે ઉપરથી જઈ રહ્યાં હતા. ત્યારે બગડોલ સીમ નજીક પૂરપાટઝડપે આવેલ ટેલર નં. જીજે-૧૨ એયુ-૮૪૮૮ ઊંટલારીને પાછળથી ટક્કર મારતા ઊંટલારી પલટી ખાઈ હતી. જેથી કરણભાઈ ભરવાડ (ઉં.વ.૩૫)ને ઈજા થઈ હતી. જ્યારે ઊંટગાડીને નુકસાન થયું હતું. આ બનાવ અંગે કઠલાલ પોલીસે ટેલર ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. 
જ્યારે અકસ્માતનો બીજો બનાવ કઠલાલ પ્રાથમિક કુમાર શાળા ખોડિયાર મંદિર સામે સર્જાયો હતો. જેમાં કઠલાલમાં રહેતા ગોવિંદભાઈ અને પુષ્પાબેન ગઈ કાલે રાત્રે ચાલતા જતા હતા ત્યારે ખોડિયાર મંદિર નજીક પૂરઝડપે આવેલ મોટર સાયકલ નં. જીજે-૦૭ બીએમ-૩૯૩૨ને ટક્કર મારતા ગોવિંદભાઈ તથા પુષ્પાબેનને ઈજા થઈ હતી. આ બનાવ અંગે જલ્પેશકુમાર રમણભાઈ પટેલની ફરિયાદ આધારે કઠલાલ પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત અકસ્માતનો ત્રીજો બનાવ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ફતેપુરા સીમ નજીક સર્જાયો હતો. જેમાં ગત તા.૧૭-૬-૧૮ની વહેલી સવારે ચાર વાગ્યાના સુમારે ટ્રક નં. પીવી ૧૩ આર-૬૩૧૫ એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થતી હતી. ત્યારે ફતેપુરા સીમ નજીક ટ્રકનો ફેન બેલ્ટ તૂટી જતા ટ્રકચાલક સતનામ કરનાલ સીંગ (ઉં.વ.૩૦) રહે. ઝરોલ પંજાબ) ગાડીની પાર્કિગ લાઈટ ચાલુ રાખી ટ્રક સાઈડમાં ટ્રક ઉભી રાખી બેલ્ટ ચઢાવતો હતો. ત્યારે પૂરઝડપે આવેલ ટ્રક નં.એમએચ-૦૯ સીવી-૬૪૨૬ ઉભી રહેલ ટ્રક પાછળ અથડાવતા બંને ટ્રકોને નુકસાન થયું હતું. જ્યારે ટ્રક ચાલક સતનામ સીંગને ઈજા થઈ હતી. આ બનાવ અંગે ચકલાસી પોલીસે ટ્રક ચાલક સામે અકસ્માતનો ગુુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(7:58 pm IST)