Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

યોગ દિવસ : રાજ્યકક્ષાની ઉજવણીમાં અમદાવાદમાં કુલ ૫ લાખ નાગરિકો યોગાભ્યાસ કરશે

વિશ્વ યોગ દિવસ એ સમગ્ર રાજ્યનો યોગ દિવસ બની રહે અને તમામ ગુજરાતીઓ જોડાય તેવા હેતુથી ગામ, તાલુકા, શહેરો અને જિલ્લા મથકોએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે

અમદાવાદ તા. ૧૯ : ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજયકક્ષાની ઉજવણી અમદાવાદમાં કરવામાં આવશે. સરદાર પટેલ સ્ટેડિયમમાં થનાર કાર્યક્રમમાં એકસાથે ૧૦,૦૦૦ નાગરિકો યોગ કરશે.

આ ઉજવણીમાં રમત, સાહિત્ય, ઉદ્યોગ અને ફિલ્મ જગતની વિવિધ સેલિબ્રિટિઝને આમંત્રિત કરાશે. સાથે રાજયના તમામ જિલ્લા-તાલુકા-શહેરો-ગામોમાં યોગ દિવસની ઉજવણી કરાશ. તમામ શાળા, કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ વિદ્યાર્થીઓ યોગ દિવસમાં ભાગ લેશે. મદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં અંદાજે ૫ લાખથી વધુ લોકો ભાગ લેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી વર્ષ-૨૦૧૪માં યુનાઇટેડ નેશન્સમાં ભારતીય યોગ પરંપરાને વૈશ્વિક સ્વીકૃતિ મળ્યાં બાદ વર્ષ-૨૦૧૫થી વિશ્વના અનેક દેશોમાં ૨૧મી જૂનને વિશ્વ યોગ દિન તરીકે ઉજવાઇ રહ્યો છે. આ વર્ષે પણ ગુજરાતમાં ૨૧ જૂન શ્નચોથા વિશ્વ યોગ દિવસની રાજયકક્ષાની ઉજવણી સરદોાર પટેલ સ્ટેડીયમ, અમદાવાદ ખાતે કરાશે. રાજય સરકાર અને પતંજલિ યોગ પીઠના સંયુકત ઉપક્રમે  યોજાનાર આ કાર્યક્રમમાં સ્ટેડિયમ ખાતે અંદાજે ૧૦,૦૦૦ જેટલા લોકો એક સાથે યોગ કરશે.

આ ઉપરાંત અમદાવાદ કલેકટરશ્રી અને મહાનગરપાલિકાના સંયુકત પ્રયાસોથી સમગ્ર અમદાવાદમાં જુદા જુદા વોર્ડ, શાળા-કોલેજ કેમ્પસ, બાગ-બગીચા અને કોમ્પ્લેક્ષ જેવી વિવિધ જગ્યાઓ ઉપર અંદાજે ૫ લાખ જેટલા લોકો યોગ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ભાગીદાર બનશે. આ દિવસે રાજયકક્ષાના કાર્યક્રમમાં રમત ગમત, સાહિત્ય, ઉદ્યોગ અને ફિલ્મ જગતની વિવિધ સેલિબિટિઝને ખાસ આમંત્રિત કરવામાં આવશે.

વિશ્વ યોગ દિવસ એ સમગ્ર રાજયનો યોગ દિવસ બની રહે અને તમામ ગુજરાતીઓ જોડાય તેવા હેતુથી ગામ, તાલુકા, શેહરો અને જિલ્લા મથકોએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. સમગ્ર રાજયમાં યોગ દિવસના સુચારૂ આયોજન માટે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને રાજયકક્ષાની સમિતિ પણ બનાવવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા અને તાલુકા કક્ષાએ પણ સંકલન સમિતિની રચના કરવામાં આવી છે. વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં રાજયની પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજ, યુનિવર્સિટી, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંગઠનો ભાગ લેશે. આ ઉપરાંત વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રયાસોથી તેમના અનુયાયીઓ પણ મોટી સંખ્યામાં યોગ દિવસની ઉજવણીમાં જોડાશે.

પ્રથમ વર્ષ વિશ્વ યોગ દિવસ ૨૧/૬/૨૦૧૫ના રોજ ૧૦૮.૮૭ લાખ, દ્વિતીય વિશ્વયોગ દિવસ, ૨૧/૬/૨૦૧૬ના રોજ ૧૦૩.૭૩ લાખ અને તૃતિય વિશ્વયોગ દિવસ ૨૧/૬/૨૦૧૭ના રોજ ૧૧૬.૫૫ લાખ વ્યકિતઓએ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. આજ રીતે આગામી વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સમગ્ર રાજયમાં જનભાગીદારી વધે એ રીતે આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

(11:37 am IST)