Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

કોરોનાથી સ્થાનિક ઝવેરીઓનો વેપાર લથડ્યો

ફરી લગ્નસરાની સિઝન ફલોપ થતાં સોનાના દાગીનાનો માંડ ૩૦ ટકા ધંધો રહ્યો : મુંબઇમાં લોકડાઉનને લીધે દાગીના બનાવવાના ઓર્ડરમાં પણ ઘટાડો નોંધાયો

સુરત,તા. ૧૯: કોરોનાની સેકન્ડ વેવના કારણે ઘણા વેપાર-ધંધાને મોટુ નુકસાન થયું છે. લકઝરી વસ્તુ હોવા છતા વૈશ્વિક માર્કેટમાં માગતા કારણે કોરોનાની સ્થિતીમાં પણ ડાયમંડ ઉદ્યોગ પાસે સારા ઓર્ડર નોંધાયા છે. પરંતુ લોકલ જ્વેલરી ઉદ્યોગને મોટી અસર થઇ છે. પાછલા વર્ષની જેમ આ વર્ષે પણ બીજી વખત લગ્નસરાની સિઝન ફલોપ થતાં હાલ જ્વેલર્સ પાસે માંડ ૩૦ ટકા કામ હોવાનું સામે આવ્યું છે.

શહેરમાં ૨,૫૦૦ જ્વેલર્સ અને મેન્યુર્ફકચરર્સને લગ્નસરાની ૨ સિઝનમાં લગભગ રૂ. ૧૦૦૦ કરોડની વધુનો વેપાર મળતો હોય છે. જો કે આ વખતે કોરોનાના કારણે ડિસેમ્બર પણ રાત્રી કરફયૂ રહેવાની સાથે માર્ચથી જ તંત્ર દ્વારા નિયંત્રણો લાદી દેવાયા છે. જેના કારણે ગત વર્ષે રદ થયેલા ઘણા લગ્નો આ વખતે પણ કોરોનાના કારણે રદ થયા છે. જેની સીધી અસર જ્વેલરીની ખરીદી પર પડી છે. સ્થાનિક જ્વેલર્સેનો મત છે કે, લગ્નમાં એક મોટો ખર્ચ ઘરેણા પાછળ થતો હોય છે. જો કે આ વખતે કોરોનાએ લોકોની આર્થિક રીતે કમર ભાંગી નાખતા ઘરેણા પાછળનું બજેટ મર્યાદિત કરી દેવાયુ છે. ઘણા ખરા કિસ્સામાં જેમણે જ્વેલરીના આર્ડર નોંધાવ્યા હતા. તેમણે પણ ફરી કોરોનાની સ્થિતી વકરતાં તેને રદ કરાવ્યા છે. જેના કારણે જ્વેલર્સના ૭૦ ટકા વેપારને અસર થઇ છે. (૨૨.૭)

ડિમાન્ડ સીધી ૫૦ ટકા ડાઉન થઇ

હાલ ઘણા લગ્નો રદ થવાના કારણે જ્વેલરીની ડિમાન્ડ પણ સીધી ૫૦ થી ૬૦ ટકા ડાઉન ગઇ છે. હોળાષ્ટક પછીના ૨ માસમાં લગ્નના સારા ઓર્ડર નોંધાતાં હોય છે પણ કોરોનાએ વેપારને મોટી અસર કરી છે.

-દીપક ચોકસી (જ્વેલર્સ)

ભાવ ફરી વધીને ઘટતાં જ્વેલરીમાં નહીં સમાન રોકાણ, મુંબઇથી મળતા ઓર્ડર હોલ્ડ પર

વચ્ચે સોનાના દર વધીને ફરી ૪૯,૦૦૦ને પાર થયા છે. જે લોકો લગ્નના કારણે રોકાણ કરવાના હતા. તેઓ પણ હાલ અટકી ગયા છે. સસ્તાં લેબરચાર્જને લીધે મુંબઇથી દાગીના બનાવવાના ઓર્ડર મળતાં હતા. તેને પણ બ્રેક લાગી છે.

- નૈનેષ પચ્ચીગર (ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસો.)

સુગરના નીચા પેમેન્ટની અસર ખેડૂતની ખરીદીને

એપ્રિલમાં ખેડૂતોને સુગર ફેકટરીઓ તરફથી છેલ્લુ પેમેન્ટ મળતુ હોય છે. આ વખતે તે પણ નીચું હોવાની વાત ખેડૂતો દ્વારા થતી ખરીદીને અસર થઇ છે. વધુમાં જૂનાગઢ અને દક્ષિણ ગુજરાતના ખેતી વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. ખેડૂતો દ્વારા થતા મોટા પ્રમાણમાં થતાં ઘરેણામાં રોકાણને અસર નોંધાય તેવો જ્વેલર્સનો મત છે.

(10:09 am IST)