Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

મહેસાણાના વિસનગરમાં પાંચ વર્ષીય બાળકની હત્યાના કેસમાં આરોપીની ફાંસીની સજા હાઇકોર્ટે 30 વર્ષની જેલમાં ફેરવી

મહેસાણા: જિલ્લાના વિસનગરમાં પાંચ વર્ષના બાળકની હત્યાના બે આરોપીઓને મહેસાણા જિલ્લાની સેશન્સ કોર્ટે આપેલી ફાંસની સજા ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ એ.સી. રાવે ૩૦ વર્ષની જેલની સજામાં તબદીલ કરી છે. હાઇકોર્ટે નોંધ્યુ છે કે કેસનો સમાવેશ 'રેરેસ્ટ ઓફ ધ રેર' માં થતો ન હોવાથી આરોપીઓની ફાંસીની સજા રદ કરવામાં આવે છે. ઉપરાંત જો આરોપીઓને માત્ર આજીવન કેદની સજા આપવામાં આવશે તો મૃતકને અન્યાય થયો ગણાશે, તેથી આરોપીઓને ૩૦ વર્ષની જેલની સજા ફરમાવવામાં આવે છે.

વર્ષ ૨૦૧૨ની ૧૭મી માર્ચે મહેસાણા જિલ્લાના વિસનગરમાં રહેતા પ્રતીક પટેલના પાંચ વર્ષીય પુત્રનું બાઇકસવારોએ અપહરણ કર્યુ હતું. ત્યારબાદ મહર્ષના પરિવારજનો પર રૃપિયા ૫૦ લાખની ખંડણી ચૂકવવાની માગણી કરતા ફોન આવ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસે ફોન નંબર ટ્રેસ કર્યા હતા અને બહાર આવ્યું હતું કે તેમના વિસ્તારમાં રહેતા અક્ષય કૌશિકકુમાર પટેલ અને કુલદીપ કરશનભાઇ પંચાલે તેમને ખંડણી માટે ફોન કર્યા હતા. પોલીેસે બન્ને શખ્સોની ધરપકડ કરતા તેમણે કબૂલાત કરી હતી કે તેમણે ખંડણી માટે મહર્ષનું અપહરણ કર્યુ હતું. અપહરણ કર્યા પછી તે બાળકને કુલદીપની બહેનના ઘરે પાટણ લઇ ગયા હતા. જો કે ખંડણીની ચૂકવણી ન થતા તેમણે પાટણના રખાવ પુલ નીચે મહર્ષના ગળા પર ચપ્પુના ઘા મારી તેની હત્યા કરી હતી અને ત્યાં જ તેને દાટી દીધો હતો. 

(5:35 pm IST)