Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

અલંગ, સાળંગપુર, સ્વામીનારાયણ મંદિરની સુરક્ષા માટે ખાસ સુરક્ષા ચક્રઃ અશોક યાદવ

બુલડોઝર સાથે દારૂના અડ્ડાઓનો કચ્ચરઘાણ કાઢવા સાથે ૧ર કસાઇઓને પાસામાં ધકેલનાર આઇપીએસ અધિકારીએ ભાવનગર રેન્જનો ચાર્જ સંભાળ્યોઃ લો એન્ડ ઓર્ડરની સ્થિતિ સુદ્રઢ થશે, મરીન પોલીસ મથકોનું સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવશેઃ રેન્જ વડા સાથે અકિલાની વાતચીત

રાજકોટ, તા., ૧૯: તાજેતરમાં આઇપીએસ કક્ષાના અધિકારીઓની બઢતી-બદલીના હુકમમાં ભાવનગરના રેન્જ આઇજી તરીકે ભાવનગર રેન્જના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત સૌથી નાની વયના તરવરીયા એવા ર૦૦૩ બેચના અમદાવાદ એડીશ્નલ પોલીસ કમિશ્નર તરીકે છેલ્લે ફરજ બજાવનાર અશોકકુમાર યાદવની પસંદગી થતા તેઓએ પોતાના નવા હોદાનો ચાર્જ સંભાળી લીધો છે. જામનગર, કચ્છ, સુરેન્દ્રનગર, વડોદરા ક્રાઇમ બ્રાન્ચ, એસપી બનાસકાંઠા અને આણંદ અન અમદાવાદમાં યશસ્વી ફરજ બજાવનાર અશોકકુમાર યાદવ ભાવનગરની ઇતિહાસ-ભુગોળથી સુપરીચીત છે. અમદાવાદના એડીશ્નલ પોલીસ કમિશ્નર દરજ્જે કુવિખ્યાત સરદારનગર (છારાનગર) વિસ્તારમાં કે જયાં દારૂ ગૃહઉદ્યોગની માફક ધમધમતો હતો તેવા વિસ્તારમાં મહિલા બુટલેગર દ્વારા થયેલી ચેલેન્જને ઉપાડી દારૂના ગેરકાયદે આશ્રયસ્થાનો પર બુલડોઝર લઇને ત્રાટકવા સાથે નિયમીત દરોડાઓ પડાવી ફફડાટ મચાવી દીધો હતો.

બનાસકાંઠાના કાર્યકાળ દરમિયાન ગૌધનની ગેરકાયદે હેરફેર સહિત બીજી ગેરકાનુની પ્રવૃતિ ખુલ્લેઆમ કરવાની હિંમત કરનાર એક ડઝનથી વધુ કસાઇઓને તેઓએ પાસામાં મોકલી આપ્યા હતા. ચાર્જ સંભાળતાની સાથે જ તેઓએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે કાયદો-વ્યવસ્થા સુદ્રઢ રહે તે મારી પ્રાથમીકતા રહેશે, પ્રવર્તમાન આતંકવાદી ઇનપુટ ધ્યાને લઇ તમામ મરીન પોલીસ સ્ટેશનો એલર્ટ કરવા સાથે તેનું સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવશે. અલંગ જેવા ઉદ્યોગ પર ઉગ્રવાદીઓની દાઢ ન ડળકે તે માટે સુરક્ષા વ્યવસ્થા પુનઃ કરાશે. સાળંગપુર તથા સ્વામીનારાયણ મંદિરની સુરક્ષાની વખતોવખત સમીક્ષા કરાશે. અમરેલી જીલ્લો, બોટાદ જીલ્લો અને ભાવનગરજીલ્લો જેની હકુમતમાં છે તેવા ડીઆઇજી કક્ષાના અધિકારીને તેઓની કાર્યદક્ષતા ધ્યાને લઇ આગામી ચુંટણી માટે સુદ્રઢ વ્યવસ્થા જળવાઇ શકે તે માટે ખાસ પસંદગી કરવામાં આવી છે.(૪.૨)

 

(11:28 am IST)