Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

ભયંકર તાપને અનુલક્ષીને ગુજરાતમાં વહેલા મતદાનની વકીઃ પરીક્ષાઓ વહેલી આવી શકે

રાજ્યમાં ૨૦૧૪માં ૩૦ એપ્રિલે ચૂંટણી હતી, આ વખતે થોડા દિવસો વહેલી આટોપાઈ જવાની ચર્ચા

રાજકોટ, તા. ૧૯ :. દેશમાં લોકસભાની ચૂંટણીના ઢોલ વાગવાની તૈયારી છે. માર્ચના પ્રારંભે ચૂંટણી કાર્યક્રમ જાહેર થવાની પ્રબ ળ શકયતા છે. ગુજરાતમાં ૨૦૧૪માં ૩૦ એપ્રિલે એક તબક્કે મતદાન થયેલ. આ વખતે એક જ તબક્કે પણ ૩૦ એપ્રિલથી વહેલુ મતદાન થાય તેવી શકયતા છે. જો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન વહેલુ આવશે તો પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકની પરીક્ષાઓ પણ વહેલી આટોપાઈ જાય તેવી શકયતા છે. ધો. ૧૦ - ૧૨ બોર્ડની પરીક્ષા માર્ચના ત્રીજા અઠવાડીયામાં પુરી થઈ જનાર છે.

ચૂંટણી પંચ જે તે રાજ્યની મતદાનની તારીખ નક્કી કરતી વખતે સ્થાનિક હવામાન, તાપમાન, તહેવારો વગેરે ધ્યાને લ્યે છે. ગુજરાતમાં અત્યારથી જ ઉનાળો શરૂ થઈ ગયો છે. એપ્રિલ-મે મહિનામાં સખત તાપ હોય છે. આ વખતે રાજ્યમાં સખત ઠંડી પડી હોવાથી તાપ પણ સખત પડવાની ધારણા છે. દર વર્ષે બોર્ડ સિવાયની શાળા કક્ષાની પરીક્ષાઓ એપ્રિલ મધ્યમાં લેવાતી હોય છે. ૩૦ એપ્રિલ આસપાસ ઉનાળો બરાબર જામી ગયો હોવાથી મતદાન વહેલી કરાવવા માટે રાજ્યમાંથી કેન્દ્રીય ચૂંટણી પંચને સૂચનો થયા છે. જો તે માન્ય રાખવામાં આવે તો ગુજરાતમાં મતદાન ૧૦ થી ૨૦ દિવસ વહેલુ થઈ શકે છે. મતદાન વહેલુ થાય તો તેની સીધી અસર સ્થાનિક પરીક્ષાઓના કાર્યક્રમ પર પડશે. શાળા કક્ષાની પરીક્ષાઓ વહેલી આટોપાઈ તેવી શકયતા નકારાતી નથી. ચૂંટણી પંચ કાર્યક્રમ જાહેર કરે ત્યારે જ સત્તાવાર વિગતો સામે આવશે.(૨-૫)

 

(11:27 am IST)