Gujarati News

Gujarati News

News of Thursday, 18th June 2020

દેશની એકતા ભાઇચારાને છિન્નભિન્ન કરવા સામે કાનૂની કાર્યવાહી કરવા માંગ

ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા ડીજીપી ઝાને રજૂઆત

અમદાવાદ તા. ૧૮ : એક તરફ જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે તેની સાથે સાથે આંધી, વાવાઝોડુ તેમજ ધરતીકંપ જેવા અવાર-નવાર પ્રકોપ દ્વારા કુદરત પોતાની સખ્ત નારાજગી દર્શાવી રહી છે. કોરોના મહામારીના કુદરતી પ્રકોપમાંથી શિખામણ લેવાની જરૂર છે તેમજ દેશના તમામ ધર્મ, જાતિએ એકજૂટ થઇ મહામારીનો સામનો કરવાનો સંદેશ આપવાનો સમય છે. ત્યારે વિશ્વ મહામારીના કપરા સમયે અયોગ્ય રીતે વૈમનસ્ય ફેલાવતું માનવતા વિરૂધ્ધ હિન અને રાક્ષસી કૃત્ય ન્યૂઝ ૧૮ ચેનલના એન્કર અમિષ દેવગને આચર્યું છે. વિશ્વના હિન્દુ મુસ્લિમ તમામ ધર્મ અને જાતિના લોકોમાં આસ્થાનું પ્રતિક, કોમી એકતા અને ભાઇચારાના પ્રતિક અજમેર સ્થિત સુફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી (ર.અ.) વિરૂધ્ધ કરવામાં આવેલ હતું. ઉપરોકત લાઇવ ડિબેટની વીડિયો ચકાસતા ડિબેટ દરમિયાન અમિષ દેવગન દ્વારા નિમ્ન શબ્દો અને વિચારસરણીનો ઉપયોગ કરવામાં આવેલ છે.

ઉપરોકત બાબતે કોમી એકતા અને ભાઇચારામાં માનનારા ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી (ર.અ.)ના અનુયાયીઓ દ્વારા વિવિધ જિલ્લા અને શહેરોમાં અમિષ દેવગનના હિન કૃત્ય બદલ ફરિયાદ આપવામાં આવેલ છે. ધારાસભ્ય તરીકે મારા સહિતની તમામ ફરિયાદોની નોંધણી કરી સખ્ત કાનૂની કાર્યવાહી કરવા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાને પત્ર પાઠવી માંગણી કરી છે.

(3:10 pm IST)