Gujarati News

Gujarati News

News of Thursday, 18th June 2020

વિસનગરની સહકારી બેંક સાથે બોગસ એકાઉન્ટ બનાવી 18 કરોડની ઠગાઈ: બ્રાન્ચ અધિકારી સહીત 3ની ધરપકડ

કેનેરા બેંકના એક અધિકારીએ એક ટ્રસ્ટ અને અન્ય કંપનીઓ સાથે મળીને પૈસા ઉપાડ્યા

અમદાવાદ: વિસનગર નાગરિક સહકારી બેંક સાથે વધુ 18 કરોડ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. કેનેરા બેંકની આશ્રમ રોડ બ્રાન્ચમાં વિસનગર બેંકની રૂપિયા 35 કરોડની ફિક્સ ડિપોઝીટ 1 વર્ષ માટે મૂકવામાં આવી હતી. જેમાં બેંકના અધિકારીઓની મિલીભગતથી આ ઠગાઈ આચરવામાં આવી હતી. હાલ પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે.

 આ અંગે મળતી વિગત મુજબ ફડચામાં ગયેલી વિસનગર નાગરિક સહકારી બેંકની રૂપિયા 35 કરોડની ફિક્સ ડિપોઝીટ આશ્રમ રોડની કેનેરા બેંકમાં 1 વર્ષ માટે રાખવામાં આવી હતી. આ રકમની ફિક્સ ડિપોઝીટની રસીદ વિસનગર સહકારી બેંકની કસ્ટડીમાં રાખવામાં આવી છે. જો કે કેનેરા બેંકના એક અધિકારીએ એક ટ્રસ્ટ અને અન્ય કંપનીઓ સાથે મળીને પૈસા ઉપાડ્યા હતા. જેમાં વિસનગર બેંકનું બોગસ એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું. જે બાદ તેમાં ખોટા સહી-સિક્કા કરીને ફિક્સ ડિપોઝીટના રૂપિયા બોગસ ખાતામાં ટ્રાન્સફર કરાવીને ઉપાડી લેવામાં આવ્યા હતા.

 

આ મામલે તપાસ કરતા સામે આવ્યું હતું કે, વિસનગર બેંકની ફિક્સ ડિપોઝીટ પૈકીના 18.07 કરોડ રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે. સૌથી પહેલા ફિક્સ ડિપોઝીટની એમાઉન્ટ વિસનગર બેંકના બોગસ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. જે બાદ અન્ય વ્યક્તિ અને કંપનીઓના ખાતામાં રૂપિયા જમા કરવામાં આવ્યા હતા.

(12:44 pm IST)