Gujarati News

Gujarati News

News of Thursday, 18th June 2020

અલીબાબા ૪૦ ચોરની મદદથી ચોરીઓ કરતા, આ ચોરે એકલા હાથે ૪૦ ચોરીઓ કરી હતી

ઐતિહાસિક ચોરથી ચાર ચાસણી ચઢે તેવો અમદાવાદનો ચોરઃ ચોર-પોલીસની રમતમાં ક્રાઇમ બ્રાન્ચની એન્ટ્રી થતા અંતે પોલસના પંજામાં: હેલ્મેટ-માસ્કના નિયમનો જાણે ચુસ્ત અમલ પ્રથમથી જ કરતો હોય તેવો દેખાવઃ ચોરીઓ કર્યા બાદ આડા-અવળી શેરીઓમાં થઇ ર૦ થી રપ કિ.મી. દૂર જઇ કપડા બદલી પરત ફરતોઃ બોલીવુડ-હોલીવુડની ફિલ્મોની કથાના કાલ્પનિક ચોરને ટક્કર મારે તેવા અદભૂત ચોરની, અદભૂત કથા અકિલા સમક્ષ વર્ણવતા અમદાવાદના સ્પેશ્યલ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર

રાજકોટ, તા., ૧૮: 'ચોરો' અને 'ચોરી'ઓની વાત નિકળે ત્યારે ઐતિહાસિક  ચોર અલીબાબા અને તેના ૪૦ ચોરની વાતો  અચૂક યાદ કરાય છે. અલીબાબાથી ભાગ્યે જ અજાણ હશે. અલીબાબા તો ૪૦ ચોરની મદદથી ચોરીઓ કરતા પરંતુ અમદાવાદના એક સાતીર ચોરે એકલા હાથે ચોરીઓ કરી લાંબો સમય સુધી ચોર પોલીસની રમતમાં  કામીયાબ નિવડયા બાદ, ક્રાઇમ બ્રાન્ચે મામલો હાથમાં લઇ ચોરની મોડસ ઓપરેન્ડી માફક વિચારવાનું શરૂ કર્યુ અને ઉચ્ચ ડીગ્રી ધરાવતો કેરેલા રાજયનો અજીત પીલ્લઇ પોલીસના સકંજામાં આવી ગયો તેમ અકિલા સાથેની અદભૂત ચોરની અદભૂત કથાઓ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સ્પેશ્યલ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે વર્ણવતા જણાવ્યું હતું.

અમદાવાદના વિવિધ વિસ્તારો તથા ગાંધીનગરમાં ચોરીઓ કરી હાહાકાર મચાવનાર આ ચોરની ખાસિયત વર્ણવતા સ્પેશ્યલ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે જણાવેલ કે ચોરી કરીને તે ર૦ થી રપ કિલોમીટર સીસીટીવી ન હોય તેવા વિસ્તારમાં જઇ કપડા બદલી પરત ફરતો એટલે સીસીટીવી ફુટેજમાં તેનો ચહેરો કયારેય પણ દેખાયો ન હતો. ટુ વ્હીલર પર મધરાતે આગળ-પાછળની નંબર પ્લેટ શિફતથી ઢાંકી દેવા માટે અને કોઇને શંકા ન જાય તે રીતે સ્ટીકર આડા લગાડી દેતો હેલ્મેટના નિયમનો તથા માસ્કના નિયમનો અમલ પહેલેથી કરતો હોય તે રીતે જ બહાર નિકળતો, પોતાના હાથમાં બારીકાઇવાળા ગ્લોઝ (મોજા) પહેરી રાખતો જેથી તેના ફીંગર પ્રિન્ટ પણ કયારેય આવતા નહિં. બોલીવુડ અને હોલીવુડની કાલ્પનિક કથાઓવાળી ફિલ્મોથી ચઢીયાતી આ સત્ય કથાનો વિલન શટર ઉંચકવા માટે પાનુ તેમજ નકુચો અને ગમે તેવુ તાળુ તોડી શકાય તે માટે ખાસ પ્રકારનું વાંદરીપાનુ તથા ડીસમીસ બનાવ્યું હતું. ચોરીઓ કર્યા બાદ સીધે રસ્તે જવાના બદલે આડી-અવળી શેરીઓમાં ફરતો અને દુર-દુર સુધી નિકળી જતો. ભુતકાળમાં આ ચોરે વડોદરામાં હાહાકાર મચાવ્યો હતો. બે વાર પાસામાં પણ જે તે સમયે જઇ આવ્યો હતો.

આ ચોર રોકડ ઉપરાંત મોબાઇલ, કિંમતી  મોબાઇલ કવરો, પાવરબેંક પણ ઉઠાવતો અમદાવાદનો એક પણ વિસ્તાર આ ચોરથી  ભાગ્યે જ બાકાત રહયો છે. આમ ચોર-પોલીસની લાંબા સમયની રમતમાં અંતે આ અનોખા ચોરને ઝડપવામાં પોલીસ સફળ રહી છે.

(11:53 am IST)