Gujarati News

Gujarati News

News of Thursday, 18th June 2020

કોરોનામાં સુરતની શાળા દ્વારા છાત્રોનાં જીવનની સાથે ચેડાં

શૈક્ષણિક કાર્ય બંધ છતાં સુરતની સ્કૂલમાં પરીક્ષા : રજૂઆત બાદ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હોવાનો શાળાનો બચાવ : તપાસનો હુકમ અપાયો

સુરત, તા. ૧૭  :  કોરોના વાઈરસના સંક્રમણના પગલે રાજ્ય સરકાર દ્વારા ૧૫ ઓગસ્ટ સુધી સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખીને માત્ર ઓનલાઈન અભ્યાસ કરવાને મંજૂરી આપી છે. જો કે, આમ છતાં સુરતની એક સ્કૂલે વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બોલાવી તેમની જીવ જોખમમાં મૂક્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરના ખરવરનગર વિસ્તારમાં આવેલી બચકાનીવાલા સ્કૂલમાં ધોરણ-૯ની પરીક્ષા લેવા માટે ૨૫ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. જો કે સ્કૂલના આચાર્ય રીટાબેને પોતાનો બચાવ કરતા જણાવ્યું કે, વાલીઓની રજૂઆત બાદ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. આચાર્યએ વધુમાં જણાવ્યું કે, "વિદ્યાર્થીઓનો અભ્યાસ ના બગડે, તે માટે વાલીઓની રજૂઆત બાદ જ વિદ્યાર્થીઓની રી-એક્ઝામ લેવાઈ રહી છે. આ માટે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન પણ કરવામાં આવ્યું છે. જો કે આ મામલે વહીવટી તંત્રની મંજૂરી વિના પરીક્ષા યોજવામાં આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જે બાદ આ બાબતે વિવાદ વકરતા સ્કૂલના આચાર્યએ હાથ જોડીને માફી માંગી હતી." હાલ આ અંગેની જાણ થતાં જ જિલ્લા શિક્ષણાધિકારી એચ.એચ. રાજ્યગુરુને એજ્યુકેશન ઈન્સ્પેક્ટરને તપાસનો આદેશ આપ્યો છે.

(9:51 pm IST)