Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

બનાસકાંઠા સહીત ઉત્તર ગુજરાતમાં અચાનક ફૂકાયેલ તેજ પવનના કારણે 400 કરોડની ટેટીના વાવેતરને નુકશાન

બનાસકાંઠા:સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો ચાલીસ ડીગ્રીને પાર પહોંચી જતા લોકો ગરમીથી અકળાઈ ઉઠયા હતા. પરંતુ ગઈકાલથી અચાનક મોસમે કરવટ લેતા વાતાવરણ વાદળછાયું થઈ ગયું હતું અને વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ અચાનક તેજ પવન ફૂંકાયો હતો અને ત્યારબાદ જોતજોતામાં આકાશમાંથી લગભગ ત્રણ ઈંચ વ્યાસના બરફના કરા પડવાની શરૃઆત થઈ ગઈ હતી. અચાનક આટલા મોટા આકારના બરફના કરા પડવાની શરૃઆત થતાં લોકો પણ અચંબિત થઈ ગયા હતા અને શહેરના રસ્તા અને ખેતરોમાં પણ બરફની ચાદર છવાઈ ગઈ હતી. બરફના કરા પડતા સૂકાભઠ્ઠ ડીસા શહેરમાં કાશ્મીર જેવો માહોલ સર્જાયો હતો અને રસ્તાઓ પણ સફેદ બરફથી ઢંકાઈ ગયા હતા. આ ઉપરાંત બરપના કરાના આકાર એટલા મોટા હતા કે તેનાથી ડીસામાં વાહનોના કાચ પણ ફૂટી ગયા હતા અને વાહનચાલકોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત ડીસાદિયોદરભાભર અને લાખણી પંથકમાં ભારે કરા વર્ષાને લઈ ખેતીની વાત કરવામાં આવે તો ખેતીમાં ટેટી અને તડબૂચના પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ખેતરમાં ઉગેલી ટેટી પર બરફ વર્ષાની માર જોવા મળી હતી. બરફ વર્ષાને પગલે ખેતરમાં તૈયાર થયેલી ટેટીઓ પણ ફૂટી ગઈ છે. જેથી ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. એક અંદાજ મુજબ જિલ્લામાં કરા વર્ષાને પગલે 300થી ચારસો કરોડનું નુકસાન માત્ર એક ટેટીના વાવેતરમાં થયું છે. તે ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના ખેડૂતોએ તમાકુનું વાવેતર કર્યું હતું. જે તમાકુનો પાક હજુ ખેતરમાં બરાબર પાક્યો પણ ન હતો અને ગઈકાલે પડેલ કરા સાથેના વરસાદના કારણે તમામ તમાકુના પાકમાં નુકસાન થવા પામ્યું છે. તે ઉપરાંત ડીસા માર્કેટયાર્ડમાં ખેડૂતો દ્વારા મુકવામાં આવેલ તમાકુની બોરીઓ પણ વરસાદના કારણે પલળી જતા ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે હવે આ ખેડૂતોની માંગ છે કે સરકાર ખેડૂતોને કંઈક સહાય કરે જેનાથી ખેડૂતોને નુકસાનમાં રાહત મળી શકે.

(6:26 pm IST)