Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

સાંજે પ-૩૦ કલાકે શંકરસિંહજી વાઘેલા સાણંદમાં ભાજપ વિરૂદ્ધ બુંગીયો ફૂંકશે

ગાંધીનગરમાં અમિત શાહ માટે પડકાર ઉભો કરશે મોટામાથા : કોંગી ઉમેદવાર સી.જે. ચાવડાને ખુલ્લુ સમર્થન : ભાવિ કાર્યક્રમ જાહેર કરશે

રાજકોટ, તા. ૧૮ : ગાંધીનગર બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સામે કોંગ્રેસે ઉમેદવારને બદલાવવાના બદલે સી.જે. ચાવડાને જ યથાવત રાખવા પાછળના કારણે હવે ધીમેધીમે બહાર આવી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી અને એન.સી.પી.ના રાષ્ટ્રીય મહામંત્રી શંકરસિંહ વાઘેલા આજે સાંજે પ-૩૦ કલાકે સાણંદ ખાતે કોંગી ઉમેદવાર સી.જે. ચાવડાના સમર્થનમાં ભાજપને પડકાર ફેંકશે અને ચૂંટણીમાં હવે જુજ દિવસો જ બાકી છે ત્યારે વાઘેલા પોતાની વ્યૂહરચના તથા ભાવિ કાર્યક્રમો પણ જાહેર કરશે. બાપુ મેદાને આવતા તથા પાટીદારો પણ ભાજપ ઉમેદવાર સામે કચચાવીને બહાર આવતા જબરો રાજકીય ગરમાવો આવ્યો છે.

આ લખાય છે ત્યારે શંકરસિંહજી વાઘેલાના અંગત મદદનીશે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, બાપુ આજે સી.જે. ચાવડાને મળી રહ્યા છે અને સાંજે સાણંદ ખાતે ચાવડાના સમર્થનમાં યોજાનાર ચૂંટણી સભા-સંમેલનમાં હાજરી આપીને સી.જે. ચાવડાને વિજય બનાવવા અનુરોધ કરશે અને ભાજપ સામે પડકાર પણ ફેંકશે.

ગુજરાતમાં કોંગ્રેસ અને એન.સી.પી.નું ગઠબંધન થયું નથી, પરંતુ અંગત સબંધો તથા ભાજપને પછડાટ આપવાના ઇરાદાથી પૂર્વ મુખ્યમંત્રી અને લડાયક નેતા શંકરસિંહ વાઘેલા આજે સાણંદથી ભાજપને પરાસ્ત કરવા જબરી હાકલ કરશે.

એક તરફ અમદાવાદમાં સી.જી. રોડ પર પાટીદારો શકિત પ્રદર્શન કરી ભાજપને ભીડવવા માટે પ્રયાસો કરી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે પડકાર ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા આજે જબરો પડકાર ફેંકવા જઇ રહ્યા હોય ભાજપ આગેવાનોમાં દોડધામ મચ્યાના પણ અહેવાલો મળી રહ્યા છે.

આજ સાંજથી શંકરસિંહજી વાઘેલા કોંગ્રેસી ઉમેદવાર સી.જે. ચાવડાના ખુલ્લા સમર્થનમાં આવી રહ્યા છે ત્યારે ગાંધીનગર લોકસભા બેઠકમાં રાજપૂત મતદારોની મોટી સંખ્યા છે અને બીજી તરફ પાટીદાર આગેવાનો પણ ગાંધીનગર બેઠક માટે તમામ તાકાત લગાવી કોંગ્રેસની પડખે ઉભા રહેવા તત્પર હોવાના અહેવાલથી જબરો રાજકીય ધમધમાટ સર્જાયો છે.

શંકરસિંહજી વાઘેલા સાંજે સાડા પાંચ વાગ્યે વિશાળ સભાને સંબોધન કરશે ત્યારે ભાજપ માટે કેવા પડકારો ફેંકશે તે અંગે ભારે ઉત્તેજના જાગી છે.

(4:02 pm IST)