Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

કોંગી તુષ્ટીકરણની રાજનીતિ કરી રહી છે : મુખ્યમંત્રી વિજય રૂપાણી

ઢોંગી બિનસાંપ્રદાયિકતાને લોકોને ઓળખી છે : ભાજપ ૧૩૦ કરોડ દેશવાસીઓ એક છે અને તેથી સૌનો સાથ સૌના વિકાસના મંત્ર સાથે કામ કરે છે : મુખ્યમંત્રી વિજય રૂપાણી

અમદાવાદ,તા.૧૭ : આજરોજ વલસાડ લોકસભા બેઠકના ઉમેદવાર ડૉ. કેસી પટેલના સમર્થનમાં ધરમપુર ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરસભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આ વખતની ચૂંટણી રાષ્ટ્રવાદ અને પરિવારવાદ વચ્ચેની છે. આપણા દેશની દેશભક્ત જનતા સૌ પ્રથમ દેશનું હિત ઇચ્છે છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રવાદને વરેલા છે, તેઓ રાષ્ટ્રના હિત માટે અથાગ પરિશ્રમ કરી રહ્યાં છે, જ્યારે કોંગ્રેસ માત્ર પરિવારવાદનો જ વિચાર કરે છે. અમારો પરિવાર જ દેશ ઉપર રાજ કરે તેવી માનસિકતા ધરાવે છે. રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી સર્વ ધર્મ સમભાવને લઇને આગળ વધી રહી છે. બીજી તરફ કોંગ્રેસ તુષ્ટીકરણની રાજનીતિ કરી રહી છે. મત લેવા માટેની કોંગ્રેસની ઢોંગી બિનસાંપ્રદાયિક્તાને લોકોએ ઓળખી લીધી છે. ભાજપા માટે ૧૩૦ કરોડ દેશવાસીઓ એક છે અને તેથી જ ભાજપા "સૌનો સાથ સૌનો વિકાસ"ના મંત્ર સાથે કાર્ય કરી રહી છે. ગઇ કાલે પંજાબ કોંગ્રેસના મંત્રી અને પાકિસ્તાનની દલાલી કરનાર નવજોતસિંહ સિધ્ધુ ગુજરાતના પ્રવાસે આવ્યા હતાં. તેમણે બિહારની એક જાહેરસભામાં કહ્યું હતું કે, મુસલમાનો એક થાવ તો જ મોદી હટશે. આ રીતે તુષ્ટીકરણની રાજનીતિ કોંગ્રેસ વર્ષોથી કરતી આવી છે. કોંગ્રેસે મુસલમાનોને મતનું મશીન ગણ્યું છે. કોંગ્રેસે ક્યારેય મુસ્લિમ સમાજનું ઉત્થાન કર્યું નથી. કોંગ્રેસ કોમ-કોમ વચ્ચે વૈમનસ્ય ઉભું કરીને પોતાના રાજકીય રોટલા શેકી રહી છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ અને દુનિયાના સર્વ સ્વિકૃત નેતા છે. આ ત્યારે જ શક્ય બને જ્યારે રાજકીય સ્થિરતા હોય. રાજકીય સ્થિરતા હોય તો જ વિકાસ થઇ શકે છે. ૨૦૧૪ પછી થયેલા દેશના વિકાસના કારણે આજે ભારત શક્તિશાળી દેશોની યાદીમાં સામેલ થયો છે. દેશના આ અકલ્પનીય વિકાસની નોંધ દુનિયાએ પણ લીધી છે. રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને દેશમાંથી આતંકવાદનો સફાયો કરવાનું પ્રણ લીધું છે. સેના આતંકવાદીઓને વીણી વીણીને ખાત્મો બોલાવી રહી છે. સેનાને છૂટો દોર આપી દિધો છે. જ્યારે કોંગ્રેસ સેના સામે કાનૂની કાર્યવાહી કરવાની વાત કરીને સેનાનું મનોબળ ઘટાડી રહી છે. કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ નહીં હટાવવાની વાત કરીને કાશ્મીરના પ્રશ્ને સળગતો જ રાખવાની વાત કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની સુરક્ષા અન્વયે દેશની સેનાને અત્યાધુનીક શસ્ત્રોથી સજ્જ કરી શક્તિશાળી બનાવી રહ્યાં છે, ત્યારે દુનિયાના મોટાભાગના દેશોએ પણ ભારત દ્વારા આતંકવાદ સામે લીધેલ  પગલાંને આવકાર્યા છે. દુનિયાના મોટાભાગના દેશો ભારતની પડખે ઉભા રહ્યાં છે, ત્યારે સમગ્ર વિશ્વના દેશો પણ પાકિસ્તાનની આ મેલી મુરાદને જાણી ગયાં છે. વિશ્વના મોટાભાગના દેશો પાકિસ્તાનની સામે આતંકવાદના વિરોધમાં અને ભારતની પડખે ઉભા છે, તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિદેશનિતિને જ આભારી છે. પાકિસ્તાનને આપણા મોદીએ અલગ-થલગ પાડી દીધો છે.

(8:32 pm IST)