Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

વડોદરાના દિગ્ગજ આર્ટિસ્ટ જ્યોતિ ભટ્ટને ભારતના રાષ્‍ટ્રપતિ દ્વારા પદ્મશ્રી પુરસ્કાર અર્પણ

વડોદરા: વડોદરાના દિગ્ગજ આર્ટિસ્ટ જ્યોતિ ભટ્ટને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો છે. જોકે સ્વાસ્થ્યના કારણોસર તેઓ આ એવોર્ડ સ્વીકારવા દિલ્હી જઇ શક્યા ન હતા. જેથી આજે રાજ્યના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગીતા સિંઘે તેમના નિવાસસ્થાને જઇને શુભેચ્છા મુલાકાત લીધી હતી અને રાષ્ટ્રપતિ વતી પદ્મશ્રી પુરસ્કાર એનાયત કર્યો હતો.

જ્યોતિભાઇની કલા સાધનાને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘે જણાવ્યુ હતું કે, તેમના રાષ્ટ્રીય સન્માનથી ગુજરાતનું ગૌરવ વધ્યું છે. આટલા ઉચ્ચત્તમ કલાવિદ હોવા છતાં તેમનું સૌજન્ય અને સાદગી અનોખો પ્રભાવ પાડે છે.

જ્યોતિ ભટ્ટે ઘરે આવીને ઉચ્ચ અધિકારી પદ્મ પુરસ્કાર અર્પણ કરે તેવા પ્રશાસનના સૌજન્ય માટે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારતનું પ્રત્યેક રાજ્ય, પ્રત્યેક જનજાતિ અનોખી કલા સમૃદ્ધી ધરાવે છે. આ કલાકારોને પીઠબળ આપીને કલાને જીવંત રાખી શકશે.

વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું કે, જ્યોતિભાઇ ભટ્ટને પદ્મશ્રી પુરસ્કાર મળવાથી વડોદરા ગૌરવન્વિત થયું છે. તેમની કલા સાધના ખૂબ જ પ્રેરણાદાયક છે. આ પ્રસંગે સંયુક્ત સચિવ જ્વલંત ત્રિવેદી, અધિક કલેકટર નારાયણ માધુ અને જ્યોત્સના ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.

(5:33 pm IST)