Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

નવા ટ્રાફિક નિયમોને લઇને અંધાધૂંધી હજુપણ અકબંધ

પીયુસી, અન્ય દસ્તાવેજો મેળવવા લાંબી લાઈનો : તમામ જરૂરી પેપર સાથે રાખવા માટેની પણ સ્પષ્ટ સૂચના અમદાવાદમાં ટ્રાફિક નિયમોને લઇને લોકોમાં નારાજગી

અમદાવાદ, તા. ૧૭ : અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નવા નિયમોને લઇને અંધાધૂંધી ફેલાયેલી છે. નવા નિયમો અમલી બન્યા બાદ અને કેટલાક પ્રકારની છુટછાટ સરકાર અને ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવી હોવા છતાં લોકો વધુને વધુ સાવચેત રહેવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. આના ભાગરુપે જ અમદાવાદ શહેરમાં આજે પણ વિવિધ વિસ્તારોમાં પેટ્રોલ પંપ અને પીયુસી સેન્ટર પર લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી. સવારથી જ ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ચાલકો પોતાના વાહનો સાથે લાઈનમાં દેખાયા હતા. ટ્રાફિકના કઠોર નિયમથી બચવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકારે નિયમો આંશિકરીતે હળવા કર્યા હોવા છતાં હજુ પણ કઠોર નિયમો હોવાથી જંગી દંડને લઇને લોકો પરેશાન થયેલા છે. જુદા જુદા વિસ્તારમાં રહેનાર લોકોનું કહેવું છે કે, કઠોર નિયમોને અમલી કરતા પહેલા લોકોને હજુ પણ વધારે સમય આપવાની જરૂર છે.

             હેલ્મેટના વેચાણ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, રાજ્ય સરકાર દ્વારા નવા દંડના નિયમો જાહેર કર્યા તે પહેલા હેલ્મેટનું વેચાણ ખુબ ઓછું થઇ રહ્યું હતું પરંતુ હવે આઈએસઆઈ માર્કવાળા હેલ્મેટોની ખરીદી કરવા માટે લોકો આગળ આવી રહ્યા છે. બીજી બાજુ સામાન્ય લોકોનું કહેવું છે કે, પહેલા કેપ પહેરીને પણ ટુ વ્હીલર ઉપર લોકો જોઈ શકાતા હતા પરંતુ યોગ્ય આઈએસઆઈ માર્કવાળા હેલ્મેટની બોલબાલા વધી રહી છે જેની કિંમત આશરે ૧૦૦૦ રૂપિયાની છે. ૫૦૦ રૂપિયાથી લઇને ૧૫૦૦ રૂપિયા સુધીના ઇ ચલણને ટાળવા માટે પ્રયાસ થઇ રહ્યા છે. બીજી બાજુ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, નવા ટ્રાફિક નિયમો સોમવારથી અમલી બની ચુક્યા છે. પોલીસ અને પ્રજા વચ્ચે ખેંચતાણ થઇ શકે છે.

                 આવી સ્થિતિને ધ્યાનમાં લઇને પોલીસને કઠોર વલણ ન અપનાવવા માટે કહેવામાં આવ્યું છે. બીજી બાજુ પોલીસને વિડિયો નોંધવા માટે લોકોને ન રોકવા માટે પણ સુચના આપવામાં આવી છે. નવા ટ્રાફિક નિયમો અમલી બન્યા બાદ લોકોમાં એકબાજુ હોબાળો છે ત્યારે બીજી બાજુ સરકાર સહકાર આપવાના મૂડમાં દેખાઈ રહી છે. ટ્રાફિક પોલીસનું કહેવું છે કે, નવા નિયમને લઇને પરેશાન થવાની જરૂર નથી. તમામ પેપરો હંમેશાસાથે રાખવાની જરૂર દેખાઈ રહી છે. સુધારવામાં આવેલા નિયમો ખુબ કઠોર બનેલા છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ટ્રાફિક) તેજસ પટેલનું કહેવું છે કે, શહેરમાં તમામ મોટા સ્થળે પોલીસ ગોઠવવામાં આવી છે. ટ્રાફિક નિયમો પાળવામાં આવે તેની ખાતરી કરવામાં આવી રહી છે.

(9:47 pm IST)