Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

આણંદ તાલુકાના ત્રણોલ ગામે નજીવી બાબતે પુત્રીને ઢોરમાર મારનાર પિતા-ફોઈ વિરુદ્ધ ગુનો દાખલ

આણંદ: તાલુકાના ત્રણોલ ગામે આંગણીયાત પુત્રીને તેના પિતા અને ફોઈ દ્વારા માર મારવાને લઈને જિલ્લા બાળ કલ્યાણ સમિતિએ બાળકીનો કબ્જો લઈને ખંભોળજ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ત્રણોલના દેવપુરા વિસ્તારમાં રહેતો ભરતભાઈ બુધાભાઈ ઝાલા એક આદિવાસી મહિલાને તેની પુત્રી સાથે લઈ આવીને લીવ ઈન રીલેશનશીપમાં રહેતો હતો. થોડો સમય આદિવાસી મહિલા ભરતભાઈ ઝાલા સાથે રહ્યા બાદ પુત્રીને ત્યાં જ મુકીને બીજા સાથે જતી રહી હતી. જેને લઈને ક્રોધે ભરાયેલા ભરતભાઈ અને તેની બહેન હંસાબેન દ્વારા વારેઘડીએ સાત વર્ષની પુત્રીને મારઝુડ કરતાં હતા. જેને લઈને કોઈ સજ્જને ૧૦૯૮ નંબર ઉપર જાણ કરતાં જ ટીમ ખંભોળજ પોલીસને લઈને ત્રણોલ ગામે ભરતભાઈ ઝાલાના ઘરે પહોંચી હતી જ્યાં ભરતે આ છોકરીને પોતાની પાસે નહીં રાખવાનું નિવેદનમાં જણાવતાં જિલ્લા બાળ કલ્યાણ સમિતિએ બાળકીને કબજો લીધો હતો અને તેણીની પુછપરછ કરતાં તેને પાલક પિતા અને ફોઈ દ્વારા માર મારવામાં આવતો હોવાનું જણાવ્યું હતુ. તેના શરીર પર માર માર્યાના નિશાન પણ મળી આવ્યા હતા. જેને લઈને મેડિકલ કરાવતાં ઉક્ત વાતની પુષ્ટી મળી હતી. જેથી શીવાનીબેન ચન્દ્રકાન્તભાઈ પંચાલે ખંભોળજ પોલીસ મથકે આવીને ફરિયાદ આપતાં જુવેનાઈલ જસ્ટીસ એક્ટની કલમ ૭૫ મુજબ બન્ને વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

(5:27 pm IST)