Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

આઇપીએસ અધિકારીઓના ખાનગી ચર્ચા-ચોરાની વાત

આઇજીના બોસ ડીઆઇજી!! પોલીસ કમિશ્નરનો ચાર્જ ડીઆઇજી પાસે અને જોઇન્‍ટ પોલીસ કમિશ્નરનો ચાર્જ આઇજી પાસે

પોલીસ તંત્રના ઇતિહાસમાં ન બન્‍યું હોય તેવું રાજકોટમાં બન્‍યું છેઃ આઇપીએસ વર્તુળોમાં હોટ ટોપીક : ર૦૦૪ બેચના જુનીયર આઇપીએસની અંડરમાં ૧૯૯૯ બેચના સિનીયર આઇપીએસ ફરજ બજાવી રહયા છે

રાજકોટ, તા. ૧૭: ગુજરાતના આઇપીએસ અધિકારીઓમાં ખાનગીમાં બે ચર્ચાઓ હોટ ટોપીક  બની છે. પ્રથમ આઇપીએસ અધિકારીઓની બદલી-બઢતી  અમદાવાદ ક્રાઇમ બ્રાન્‍ચ વડા, સુરત સીપી અને આઇબી વડા તરીકે કોણ મુકાશે? તેની સાથોસાથ રાજકોટ પણ આ ચર્ચામાં મહત્‍વનો મુદ્દો બન્‍યો છે. આ ચર્ચાનું મુખ્‍ય કારણ એ છે કે રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અમેરીકા લાંબી રજા પર જતા તેમનો ચાર્જ ર૦૦૪ બેચના રાજકોટ રેન્‍જ ડીઆઇજી સંદીપસિંહને અપાયો તે બાબત મૂળમાં છે.

રાજકોટના જોઇન્‍ટ પોલીસ કમિશ્નરનું સ્‍થાન ખાલી છે. આ જગ્‍યા પર આઇજીપી કક્ષાના આર્મ્‍સ યુનીટના ૯૯ બેચના અજયકુમાર ચૌધરી ચાર્જમાં છે. આ બાબત કારણભુત છે.

ગુજરાતના ઇતિહાસમાં આ અગાઉ કયારેય પણ ન બન્‍યું હોય તેવું બન્‍યું છે.રાજકોટના ઇન્‍ચાર્જ પોલીસ કમિશ્નર તરીકે ડીઆઇજી કક્ષાના અધિકારીને ચાર્જ અપાયો છે. જયારે તેમનાથી નીચેના લેવલની જોઇન્‍ટ પોલીસ કમિશ્નરની જગ્‍યાનો ચાર્જ  આઇજી કક્ષાના સિનીયર અધિકારીને અપાયો છે. બીજા શબ્‍દોમાં કહીએ તો આઇજીના ઉપલા અધિકારી તરીકે ડીઆઇજી  બન્‍યા છે.

હવે પ્રશ્ન એ થાય કે પોલીસ તંત્ર ખુબ જ શિસ્‍ત ભર્યુ ડીપાર્ટમેન્‍ટ છે. ઉપલા અધિકારીને મળવા તાબાના જુનીયર અધિકારીએ જવાનું હોય છે. તેમના આદેશોનું પાલન કરવાનું હોય છે અને તેમની ચેમ્‍બરમાં મળવા જાય ત્‍યારે સાવધાન પોજીશનમાં સૌ પ્રથમ ઉભું રહી ત્‍યાર બાદ બેસવાનું હોય છે. રાજકોટના કિસ્‍સામાં નવતર બાબત એ છે કે ૯૯ બેંચના  આઇજીપી કક્ષાના ડીઆઇજી કરતા સિનીયર  અધિકારીએ પોતાના જુનીયર અધિકારીના આદેશનું પાલન કરવું પડે તેવી સ્‍થિતિ છે. જો કે રાહતની બાબત એ છે કે ડીઆઇજી કક્ષાના સંદીપસિંહ પણ નાની વયે ખુબ જ મેચ્‍યોર છે અને કોઇ વિવાદ ન થાય તેનું પુરૂ ધ્‍યાન રાખી પોતાના સિનીયરનું માન જાળવવા  પુરતા પ્રયત્‍નો કરે તેવા છે.

બીજી તરફ રાજય પોલીસ તંત્રમાં ખુબ જ સારી પ્રતિભા ધરાવતા અને કલા જગતમાં મહત્‍વનું સ્‍થાન ધરાવતા અને જેમની ઓળખ  પોલીસ અધિકારીને બદલે આર્ટીસ્‍ટ તરીકે  ગણ્‍યા ગાંઠયા મિત્રોમાં વધુ છે તેવા અધિકારી પણ શિસ્‍તના બંધનમાં રહી પોતાને જે ચાર્જ સુપ્રત થયો છે તે રીતે જ ફરજ બજાવે તે બાબતમાં બેમત નથી પરંતુ પોલીસ તંત્રની આ નવી પ્રણાલી સમગ્ર રાજયના પોલીસ તંત્રમાં ખાનગીમાં ભારે ચર્ચાસ્‍પદ બની છે.

 

(12:42 pm IST)