Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

અરવલ્લીમાં રોડ પરના ખાડાઓમાં વૃક્ષારોપણ કરી જાગૃત નાગરિકે નોંધાવ્યો અનોખો વિરોધ

અરવલ્લી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે સહીત સ્ટેટ હાઈવે ખાડા માર્ગમાં પરિવર્તિત થયા છે, ત્યારે બાયડ તાલુકાના ગાબટ-સાઠંબા રોડ પર મસમોટા ખાડાઓ પડતા અને કોન્ટ્રાક્ટર દ્વારા જીલ્લામાં બનાવતા રોડનું એક જ વર્ષનું આયુષ્ય હોવાનું આક્રોશ પૂર્વક જણાવી એક જાગૃત નાગરિકે રોડ પર પડેલા ખાડાઓમાં વૃક્ષારોપણ અભિયાન હાથ ધરી અનોખો વિરોધ નોંધાવ્યો હતો.

અરવલ્લી જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસની ગ્રાન્ટમાંથી નિર્માણ થતા રોડના કામોમાં અને રોડ રિસર્ફેશની કામગીરીમાં કોન્ટ્રાકટરો તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અને નેતાઓ સાથે મીલીભગત કરી ભારે ભ્રષ્ટાચાર આદરી રોડના કામમાં લોટ, લાકડું અને પાણી વપરાતા રોડ બનાવ્યાના થોડાક જ મહિનાઓમાં રોડ તૂટી જવાની ઘટનાઓ બની રહી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

બાયડ તાલુકાના ગાબટ-સાઠંબા રોડ પર ઠેર ઠેર ખાડાઓના સામ્રાજ્યથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત વરસતા વરસાદથી રોડની સપાટી ઠેર ઠેર તૂટી જતા મેટલ, કપચી, ગ્રીટ સહિતનો માલસામાન વેર વિખેર થઇ જવા સાથે ડામર પણ અનેક જગ્યાએ ગાયબ જોવા મળતા એક સ્થાનિક જાગૃત નાગરિકે રોડની હલકી કક્ષાની કામગીરી અને રોડ પર પડેલા ખાડાઓનું સમારકામ નહિ કરવામાં આવતા રોડ પર પડેલા ખાડાઓમાં છોડ રોપી વૃક્ષારોપણ કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

(8:15 pm IST)