Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

અમદાવાદની દિવ્યાંગ છાત્રા રચના શાહની સિદ્ધિઃ યુનાઇટેડ કિંગ્ડમની દિવ્યાંગોની કેટેગરીમાં સન્માન મેળવ્યું

અમદાવાદઃ જન્મથી જ સાંભળવામાં ઉણપ ધરાવતી અમદાવાદની એક બધિર છોકરીએ યુનાઈટેડ કિંગ્ડમની દિવ્યાંગોની કેટેગરીમાં સન્માન મેળવીને શહેરને આખા વિશ્વમાં ગર્વ અપાવ્યું છે. 25 વર્ષની રચના શાહે ભરતનાટ્યમની કળા, શાસ્ત્રીય સંગીત અને વિવિધ ઈન્સ્ટ્રુમેન્ટ્સ વગાડવાની આવડત માટે આ સન્માન મેળવ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે સંગીત વિષારદ અને ભરતનાટ્યમની નૃત્યાંગના રચના 100 ટકા હિયરિંગ લોસ સાથે જન્મી છે. તેનું નામ લિમકા બુક ઑફ રેકોર્ડ્સમાં પણ નોંધી લેવામાં આવ્યું છે. તે આઠ જેટલા શાસ્ત્રીય રાગ વગાડી અને ગાઈ શકે છે.

રચનાને 26 ઓગસ્ટના રોજ વિયેટનામમાં વર્લ્ડ રેકોર્ડ્સ યુનિવર્સિટી દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતુ. રચનાએ ન માત્ર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું પરંતુ સાથે સાથે હજારો દર્શકોની સમક્ષ શાસ્ત્રીય નૃત્ય પણ રજૂ કર્યું હતું. અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઑફ ઈન્ડિયાએ રચનાની માતા જ્ઞાનેશ્વરી શાહનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે રચના સાંભળવાની ઉણપ સાથે જ જન્મી હતી પરંતુ તેમણે હિંમત ન ગુમાવી. તેમણે રચનાને સાંભળવાનું મશીન આપ્યું અને તેને શાસ્ત્રીય સંગીત સંભળાવ્યા કર્યું. ત્યાર પછી જાણે કે ચમત્કાર જ થઈ ગયો. રચનાએ ન માત્ર શાસ્ત્રીય સંગીતને પ્રતિભાવ આપવાનું શરૂ કર્યું પરંતુ તેનો શાસ્ત્રીય સંગીત અને નૃત્યમાં પણ રસ ખીલતો ગયો. ખૂબ મહેનતથી તેણે સંગીતમાં વિષારદની ડીગ્રી હાંસલ કરી. મ્યુઝિક અને ડાન્સમાં આ સૌથી ઊંચી ડીગ્રી ગણાય છે.

ગયા વર્ષે પણ તેણે પોતાનું નામ લિમકા બુક ઑફ રેકોર્ડ્સમાં નોંધાવીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. લિમકા બુકમાં તેનું નામ નૃત્ય, ગાયકી અને હાર્મોનિયમ વગાડવા માટે નોંધાયુ છે. જ્ઞાનેશ્વરી શાહે જણાવ્યું, “અમે થેરાપીના ભાગ રૂપે તેને શાસ્ત્રીય સંગીત સંભળાવાનું શરૂ કર્યું હતું. ડોક્ટરોએ અમને મ્યુઝિક અથવા ડાન્સથી શરૂઆત કરવા જણાવ્યું હતું અને અમે ડાન્સ પર પસંદગી ઉતારી. વર્ષો વીતતા તેને મ્યુઝિકમાં પણ રસ જાગગ્યો. છ વર્ષની વર્ષે તેણે પોતાનું પહેલુ સ્ટેજ પરફોર્મન્સ આપ્યુ હતુ. ત્યાર બાદ તેને પાછુ વળીને ક્યારેય જોવુ પડ્યું નથી.” તેમણે વધુમાં જણાવ્યું, “રચનાએ પછી નવ વર્ષની વયે ભરતનાટ્યમ શીખવાનું શરૂ કર્યું અને તેમાં પણ પારંગત થઈ. તેણે 13 વર્ષની વયે ગાંધર્વ મહાવિદ્યાલયમાંથી વિષારદનું સર્ટિફિકેટ મેળવ્યું.”

(6:09 pm IST)