Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ખેડામાં જુદા-જુદા ત્રણ અકસ્માતમાં પાંચને ગંભીર ઇજા

ખેડા: જિલ્લામાં ત્રણ સ્થળે સર્જાયેલા અકસ્માતમાં પાંચ જણાંને ઈજા થઈ હતી. આ બનાવ અંગે જે તે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ તાલુકાના ચલાલીમાં રહેતા અર્જુનભાઈ ડાહ્યાભાઈ ભોઈ ગત તા. ૭-૯-૧૮ના રોજ મોટર સાયકલ નં. જીજે સીએલ ૧૧૪૩ લઈ મહુધા રોડ પરથી જઈ રહ્યા હતા. ત્યારે સલાણી પાટીયા નજીક પૂરપાટ ઝડપે આવેલ મોટર સાયકલ નં. જીજે ૭ સી એલ ૯૧૩૦ ધડાકાભેર બાઈક પાછળ અથડાતા બાઈક ચાલક અર્જુનભાઈ ભોઈ (ઉંમર ૩૭ વર્ષ)ને રોડ ઉપર પડી જતા ઈજા થઈ હતી. આ બનાવ અંગે અર્જુનભાઈ ડાહ્યાભાઈ ભોઈની ફરિયાદ આધારે મહુધા પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 
બીજા બનાવમાં નડિયાદ પવન ચક્કી વિસ્તારમાં રહેતા યોહાનભાઈ ડોમીનીકભાઈ મેકવાન ગત તા. ૧૩-૯-૨૦૧૮ના રોજ પીજ રોડ ગીતાંજલી ચોકડી નજીક એક્ટિવા નં. જીજે ૦૭ બીડી ૨૦૩૦ પર પંક્ચરની દુકાને હવા પુરાવવા ઊભા હતા. આ દરમ્યાન પૂરઝડપે આવેલ મોટર સાયકલ નં. જીજે ૦૭ બીપી ૭૦૮૮ એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા પડી જતા યોહાનભાઈ મેકવાનને ઈજા થઈ હતી. આ અકસ્માત સર્જી બાઈક સવાર નાસી ગયો હતો. જ્યારે અકસ્માતનો ત્રીજો બનાવ નડિયાદ ડાકોર રોડ કંજોડા સીમ નજીક સર્જાયો હતો. જેમાં ઉમરેઠ તાલુકાના વણસોલમાં રહેતા રમણભાઈ ભલાભાઈ સોલંકી ગત તા. ૧૪-૯-૧૮ના રોજ રીક્ષા નં. જીજે ૦૭ વાયવાય ૫૧૩૨માં બેસી જઈ રહ્યા હતા ત્યારે કંજોડા સીમ નજીક અચાનક રોડ ઉપર બે વાંદરા આવતા રીક્ષા ચાલકે કાબૂ ગુમાવતા રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. જેથી રમણભાઈ સોલંકી તથા અન્ય બે મુસાફરોને ઈજા થઈ હતી. આ બનાવ અંગે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:07 pm IST)