Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

વડોદરાના વિજયનગર નજીક પુરપાટ ઝડપે આવતી કારે ડોર ટુ ડોર ગાડીના ડ્રાઈવરને હડફેટે લેતા ચાલક ઈજાગ્રસ્ત

વડોદરા: શહેરના વિજયનગર પાસે પૂરપાટ ઝડપે ઘસી આવેલ કારે કચરા કલેક્શનની કામગીરી દરમ્યાન ડોર ટુ ડોર ગાડીના ડ્રાઇવરને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જનાર અજાણ્યો કાર ચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત ડ્રાઇવરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. 

શહેરના અટલાદરા ખાતે આવેલી પ્રમુખઆનંદ સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઈ સોલંકી વડોદરા કોર્પોરેશનમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન ગાડીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. ગઈકાલે તેઓ વિજયનગર અને વારસિયા વિસ્તારમાં કચરા કલેક્શનની કામગીરી કરી રહ્યા હતા. તે સમયે વિજયનગર માઈ માતાના મંદિર પાસે કચરો કલેક્ટ કરવા માટે તેઓ ગાડીની બહાર ઉભા રહ્યા હતા.

આ દરમ્યાન ધવલ ચાર રસ્તા તરફથી પૂરપાટ ઝડપે ઘસી આવેલ કારે તેમને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જી અજાણ્યો કારચાલક નાસી છૂટ્યો હતો. જ્યારે જીગ્નેશભાઈને કમર તથા થાપાના ભાગે ઈજા પહોંચતા સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઉપરોક્ત ફરિયાદના આધારે વારસિયા પોલીસે કાર નંબરના આધારે ચાલકની શોધખોળ હાથ ધરી છે.

(5:47 pm IST)