Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

રાજ્ય સરકાર દ્વારા ભાવમાં વધારો કરાતા સ્ટેમ્પ પેપર અને રેવન્યુ ટિકીટના બજારમાં અછત સર્જાતા સ્ટેમ્પ વેન્ડર-નોટરી, અરજદારો પરેશાન

વડોદરા: રાજય સરકારે સ્ટેમ્પ પેપરના ભાવો વધારતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. સ્ટેમ્પ પેપર અને રેવન્યુ ટીકીટના ભાવો વધારતા સ્ટેમ્પ પેપરોની બજારમાં અછત સર્જાઈ છે. જેના કારણે સ્ટેમ્પ વેન્ડર, નોટરી અને અરજદારો હેરાન પરેશાન થઈ રહ્યા છે.

સરકારે સ્ટેમ્પ પેપરોના ભાવો 20 થી વધારી 50 રૂપિયા અને 100થી વધારી 300 રૂપિયા કર્યા છે. જેના કારણે અરજદારોના ખિસ્સા પર ભારણ વધ્યુ છે. લોકોને ભાડા કરાર, લીઝ એગ્રીમેન્ટ, ધંધાકીય એગ્રીમેન્ટ, સોગદંનામુ સહિતના અનેક કરારોમાં સ્ટેમ્પ પેપર કે રેવન્યુ ટીકીટની જરૂર પડે છે. સરકારે સ્ટેમ્પોના ભાવ વધારતા બજારમાં 100 અને 50 રૂપિયાના સ્ટેમ્પની અછત ઉભી થઈ છે.

ભાડા કરાર કરાવવો હોય તેને ફરજિયાત 20 રૂપિયાના 15 સ્ટેમ્પ લેવા પડે છે. જેના કારણે તેનો પ્રિન્ટીંગ, ઝેરોક્ષ અને વકીલનો ખર્ચ વધે છે તો સ્ટેમ્પ વેન્ડરને રેકોર્ડ રાખવાના કામનું ભારણ વધી જાય છે તો નોટરીને પણ સ્ટેમ્પ પેપર પર લખાણ લખવામાં મુશ્કેલી પડી રહી છે. સાથે સ્ટેશનરીનો પણ બગાડ થઈ રહ્યો છે. વડોદરાના સિનીયર વકીલે કલેકટરને રજુઆત કરી સ્ટેમ્પ પેપરની અછત દુર કરવા તો સ્ટેમ્પ વેન્ડરે 300 રૂપિયાનો સ્ટેમ્પ બહાર પાડવા રજુઆત કરી છે.

વકીલની રજુઆત બાદ અધિક કલેકટરે કહ્યુ કે, સ્ટેમ્પ પેપરની બજારમાં અછત હોવાની રજુઆત મળી છે જેના પગલે સુપ્રિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પને સ્ટેમ્પની અછત મામલે રજુઆત પહોચાડી ત્વરીત સ્ટેમ્પ બજારમાં ઉપલબ્ધ થાય તેવો આદેશ કરીશુ. મહત્વની વાત છે કે, સ્ટેમ્પ પેપર અને રેવન્યુ ટીકીટની અછતના કારણે અરજદારોની હાલાત કફોડી બની છે. જયારે બીજી તરફ સરકારે સ્ટેમ્પ પેપરના ભાવો પણ વધારી દીધા છે. જેના કારણે લોકોના ખિસ્સા પર પણ ભારણ વધતા લોકોની મુશ્કેલી બેવડાઈ છે. ત્યારે વડોદરામાં વહેલી તકે સ્ટેમ્પ પેપરની અછત દુર થાય તે અરજદારો અને સ્ટેમ્પ વેન્ડરોના હિતમાં છે.

(4:51 pm IST)