Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

રક્ષાબંધનના દિવસને પાલનપુરના ચડોતર ગામમાં અશુભ મનાતો હોવાથી એક દિવસ પહેલા બંધાય છે રાખડી

બનાસકાંઠા :સમગ્ર ભારતમાં કાલે રક્ષાબંધનનું પર્વ મનાવવામાં આવે છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાનું એક એવું ગામ કે જ્યાં રક્ષાબંધનના દિવસને અશુભ માનવામાં આવે છે. તેથી આ ગામમાં રક્ષાબંધનના એક દિવસ પહેલા રાખડી બાંધી લેવાય છે. એક દિવસ પહેલા રક્ષાબંધન મનાવવા પાછળનું કારણ આપ જાણશો તો દંગ રહી જશો.

પાલનપુરથી આઠ કિલોમીટર દૂર આવેલ પાલનપુર તાલુકાનું ચડોતર ગામમાં ગઈકાલે જ રક્ષાબંધનની ઉજવણી કરી દેવામાં આવી હતી. છેલ્લા 2૦૦ વર્ષથી પરંપરા મુજબ રક્ષાબંધનના આગળના દિવસે ચડોતર ગામમાં ભાઈ-બહેનના પવિત્ર બંધનને ઉજવવામાં આવે છે. ચડોતર ગામની લોકવાયકા મુજબ, વર્ષો પહેલા આ ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો અને મોટાપ્રમાણમાં પશુ અને જાનમાલનું નુકશાન થયું હતું. તેની દહેશતના પગલે ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ત્યારે ગ્રામજનો એકત્ર થઈને ગામના પૂજારી પાસે ગયા ત્યારે પૂજારીએ ચડોતર ગામની સુખ અને સલામતીના રક્ષણ માટે ગામની દીકરીઓને રક્ષાબંધનના એક દિવસ આગાઉ ભાઈને રાખડી બાંધવાનું સૂચન કર્યું હતું. ત્યારથી આ પરંપરા આજે પણ ચડોતર ગામની યથાવત છે.

ગામના મંદિરના પૂજારી કાંતિભાઈ કહે છે કે, લોકવાયકા મુજબ ગામમાં વર્ષો પહેલા ભયંકર રોગચાળો ફેલાઈ ગયો હતો. જેના કારણે મોટા પ્રમાણમાં લોકો અને પશુઓના મોત નિપજ્યા હતા. જેના કારણે ગામના લોકો ગભરાઈ ગયા હતા અને ગામના શિવજીના મંદિરમાં એક તપસ્વી સંત પાસે ગયા. તે મહાત્માએ કહ્યું કે, આખા ગામમાંથી દૂધ ભેગું કરો અને આખા ગામના દરેક ખૂણે -ખૂણે છાંટી દો. જેથી ગામના લોકોએ દૂધ ભેગું કરીને આખા ગામમાં છંટકાવ કર્યો. જેના કારણે થોડી જ વારમાં બધુ જ શાંત થઈ ગયું હતું. ત્યાર બાદ સંતે કહ્યું કે, આજ પછી હવે રક્ષાબંધનના દિવસે આપણા ગામમાં કોઇ બહેન પોતાના ભાઈને રક્ષાબંધન પર રાખડી નહિ બાંધે. ત્યારથી આ પરંપરા પડી ગઈ.

ગામના રહેવાસી મહેન્દ્રભાઈ ચૌધરી જણાવે છે કે, અમે આ પરંપરાને અતૂટપણે આગળ વધારી રહ્યા છીએ. અમારા ગામમાં હવે કોઈ મુસીબત આવતી નથી. દેશભરમાં આજે રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે, ત્યારે ચડોતર ગામે એક દિવસ પહેલા જ રક્ષાબંધન ઉજવી લીધી હતી.

(5:24 pm IST)