Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

સુરતમાં રેમડેસિવીર ઇન્‍જેકશનની અછત વચ્‍ચે કાળા બજાર કરનાર શૈલેષ અને નીતિન નામના બે ભાઇઓની ક્રાઇમ બ્રાન્‍ચ દ્વારા અટકાયત

સુરત: રાજ્યમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના સંક્રમણમાં અત્યંત જરૂરી રેમડેસિવિર ઇન્જેક્શનની અછત જોવા મળી રહી છે. સુરતમાં રેમડિસિવિર ઇન્જેક્શન કાળા બજારમાં વેચનાર શૈલેષ-નીતિન નામના ભાઇઓની ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી છે. ક્રાઇમ બ્રાન્ચે આ બન્ને ભાઇઓ પાસેથી 12 રેમડિસિવિર ઇન્જેક્શન જપ્ત કર્યા હતા.

સુરતમાં ડીસીબી પોલીસ સ્ટેશનના માણસોને બાતમી મળી હતી કે વિજય મેડીકલ, પરવતન પાટીયા ખાતે કેટલાક ઇસમો આર્થિક લાભ માટે વગર પાસ પરમીટે કોરોનાના નવા સ્ટ્રેનમાં દર્દીઓના સગાઓને રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂરિયાત હોય તો કાળા બજારમાં વેચાણ કરે છે, જેને આધારે રેડનું આયોજન કરી ડમી ગ્રાહક તૈયાર કર્યો હતો.

તે બાદ પોતાના સગાને રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂરિયાત હોવાની માંગણી કરતા આરોપીઓએ અગાઉથી રચેલ ગુનાહિત કાવતરા મુજબ ઇન્જેક્શન 12 હજારમાં એક ઇન્જેક્શન વેચાણથી અપાવશે અને ગ્રાહકે 6 ઇન્જેક્શનની માંગણી કરતા 70 હજારમાં મળી જશે તેમ જણાવ્યુ હતું. આરોપી પ્રદીપ કાતરીયા ગોડાદરા ફ્યુઝન પેથોલોજી લેબ પાસે લઇ જતા આરોપી લેબમાંથી પોતાની સાથે રેમડેસિવિર ઇન્જેક્શન લઇ નાણાી માંગણી કરતા રેડ દરમિયાન તે પકડાઇ ગયા હતા અને લેબોરેટરીની ચકાસણી કરતા આરોપી શૈલેષ હડીયા અને નીતિન હડીયા પાસેથી વધુ 6 ઇન્જેક્શન તથા વેચાણના 2 લાખ 45 હજાર રૂપિયા મળી આવ્યા હતા અને તે ઇન્જેક્શ ક્યાથી લાવ્યા તે મામલે પૂછપરછ કરતા યોગેશ કવાડ પાસેથી એક ઇન્જેક્શ 4 હજાર રૂપિયા લેખે ખરીદ્યુ હોવાનું જણાવ્યુ હતું અને પોતે 12 હજારમાં ગ્રાહકોને આપતા હોવાનું જણાવ્યુ હતું.

પ્રાથમીક તપાસ દરમિયાન પૂછપરછમાં આરોપી વિવેક ધામેલીયા નિત્યા મેડીકલ સ્ટોરના 670ના ભાવથી સિવિલ હોસ્પિટલ સુરત નિત્યા હોસ્પિટલમાં દાખલ થયેલ કોવીડ પોઝિટિવ દર્દીઓના આધાર કાર્ડની નકલનો ઉપયોગ કરી ડૉક્ટરના પ્રીસ્ક્રીપ્શન સાથે પોતાની હોસ્પિટલ વતી એક માણસને સીવીલ હોસ્પિટલ ખાતેથી રોજ રોજ મંગાવી તેમાંથી વધેલા અને ડીસ્ચાર્જ થયેલા દર્દીઓના રેમડેસિવિર ઇન્જેક્શનના કાળા બજાર કરી યોગેશ કવાડને વેચતો હતો. જે આગળ ફ્યુઝન લેબોરેટરીને 4 હજારમાં વેચતો અને ફ્યુઝન લેબોરેટરી તેના માણસો રાખી ગ્રાહકોને 12 હજાર રૂપિયામાં વેચતો હતો. પોલીસે આ મામલે આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:25 pm IST)