Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

MIT-SOG છાત્ર સાંસદ કોન્ક્લેવની આગેવાની કરશે

૧૮થી ૨૦ જાન્યુ. વેળા પુણેમાં બીસીએસનું આયોજન : દેવેન્દ્ર ફડણવીસ, શરદ પવાર, શંકરસિંહ વાઘેલા, જિજ્ઞેશ મેવાણી સહિતના અનેક મહાનુભાવ ખાસ ઉપસ્થિત રહેશે

અમદાવાદ,તા. ૧૭ : એમઆઈટી સ્કૂલ ઓફ ગવર્નમેન્ટ (એમઆઈટી-એસઓજી) દ્વારા તા.૧૮થી ૨૦ જાન્યુઆરી દરમ્યાન પુણે એમઆઈટી- ડબ્લ્યુપીયુ કેમ્પસ ખાતે  નવમી ભારતીય છાત્ર સાંસદ(બીસીએસ)નું આયોજન કરવામાં આવ્યું છે.  મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ બીસીએસ-૨૦૧૯ ના મુખ્ય મહેમાન અને ચીફ પેટ્રન રહેશે. આ સિવાય એનસીપીના પ્રમુખ અને સાંસદ શરદ પવાર, સીપીઆઈના સિનિયર નેતા શ્રીમતી બ્રિંદા કરાત, દલિત ચળવળકાર અને ગુજરાતના વિધાનસભ્ય જિજ્ઞેશ મેવાણી, ફિલ્મ અભિનેતા પ્રકાશ રાજ ફાઉન્ડેશનના સ્થાપક પ્રકાશ રાજ, ગુજરાતના માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, મહાત્મા ગાંધી ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ તુષાર ગાંધી, નામાંકિત વકીલ અને કોંગ્રેસના સાંસદ ડો.અભિષેક મનુ સિંઘવી, નામાંકિત વકીલ અને સામાજિક ચળવળકાર એડવોકેટ પ્રશાંત ભૂષણ, એનસીપીના સંસદ એડવોકેટ માજીદ મેમણ સહિતના વિવિધ ક્ષેત્રના અનેક મહાનુભાવો હાજરી આપશે એમ એમઆઈટી- એસઓજીના સ્થાપક અને એમઆઈટી વર્લ્ડ પીસ યુનિવર્સિટીના એક્ઝિક્યુટવ પ્રેસિડેન્ટ ડીન રાહુલ કરાડે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય છાત્ર સાંસદ (બીસીએસ) અનોખી સામાજિક પહેલ છે, જેનું લક્ષ્ય યુવાનોને લોકશાહીના મજબૂતીકરણ તરફ વાળવાનું અને રાષ્ટ્રનિર્માણ સંબંધી મુદ્દાઓને ઉકેલવાનું છે. આ ઈવેન્ટમાં દેશભરની કોલેજો અને સંસ્થાઓના વિદ્યાર્થીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. બીસીએસની ૯મી આવૃત્તિમાં અલગ અલગ ક્ષેત્રની નામાંકિત હસ્તીઓ આવીને ઊભરતી વૈશ્વિક શક્તિ તરીકે ભારતની પ્રગતિ અને વિકાસ સંબંધમાં વિષયોની શ્રેણી પર પોતાના અભિપ્રાયો આપશે. ઈવેન્ટનું લક્ષ્ય યુવાનોને રાજકીય રીતે સક્રિય બનવા અને દેશના વિકાસ માટે કામ કરવા માટે પ્રોત્સાહન આપવાનું છે. એમઆઈટી- એસઓજીના સ્થાપક અને ડીન તથા એમઆઈટી વર્લ્ડ પીસ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ રાહુલ કરાડે વધુમાં ઉમેર્યું કે, ભારત ઝડપથી મજબૂત અને માળખાકીય રીતે ખમતીધર વૈશ્વિક આર્થિક મહાશક્તિની દિશામાં કૂચ કરી રહ્યો છે, પરંતુ આ રેસમાં જીતવા માટે આપણી પાસે પ્રગતિશીલ અને જ્ઞાની આગેવાનોની જરૂર છે, જેઓ રાજકીય નિર્ણય લેવામાં ઉદભવતા અવરોધોને પાર કરી શકે. એમઆઈટી- એસઓજીમાં અમે રાષ્ટ્રનિર્માણ માટે આવશ્યક સમર્પિતતા ધરાવતા આવતીકાલ માટેના આગેવાનો નિર્માણ કરવા આ અંતર ભરી કાઢવા પ્રયાસ કરી રહ્યા છીએ અને તે માટે કટિબદ્ધ છીએ. આના મજબૂતીકરણ માટે અમે પોલિટિકલ લીડરશિપ ગવર્નમેન્ટ (એમપીજી) અને બીસીએસમાં યુજીસી માન્ય બે વર્ષનો મોસ્ટર્સ કોર્સ શરૂ કર્યો છે, જે સંસ્થા ભાવિ રાજકીય આગેવાનો નિર્માણ કરવા માટે ભારત અને દુનિયાના ૧૦,૦૦૦ જેટલા રાજકીય રીતે સક્રિય વિદ્યાર્થીઓનો સૌથી મોટો ક્લાસરૂમ છે. બીસીએસ યુવાનોમાં ચારિત્ર્ય અને યોગ્ય આદર્શોનું ભાન વિકસાવી રહી છે અને દેશમાં અમુક ઉત્તમ આગેવાનો સાથે આદાનપ્રદાન કરવા માટે તેમને મંચ આપી રહી છે. આ ભારતીય છાત્ર સંસદમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, એનસીપીના પ્રમુખ અને સાંસદ શરદ પવાર, સીપીઆઈના સિનિયર નેતા શ્રીમતી બ્રિંદા કરાત, લિંગ સમાનતા ચળવળકાર શ્રીમતી તૃપ્તિ દેસાઈ, દલિત ચળવળકાર અને ગુજરાતના વિધાનસભ્ય જિજ્ઞેશ મેવાણી, ફિલ્મ અભિનેતા પ્રકાશ રાજ ફાઉન્ડેશનના સ્થાપક પ્રકાશ રાજ, સિનિયર પત્રકાર આશુતોષ, આસામ વિધાનસભાના સ્પીકર હિતેન્દ્ર નાથ ગોસ્વામી, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, મહાત્મા ગાંધી ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ તુષાર ગાંધી, નામાંકિત વકીલ અને કોંગ્રેસના સાંસદ ડો.અભિષેક મનુ સિંઘવી, નામાંકિત વકીલ અને સામાજિક ચળવળકાર એડવોકેટ પ્રશાંત ભૂષણ, એનસીપીના સંસદ એડવોકેટ માજીદ મેમણ, થાયરોકેર ટેકનોલોજીઝના સ્થાપક ડો. એ વેલુમણિ જેવા નામાંકિત વક્તાઓ આ ત્રણ દિવસ દરમ્યાન ભારતીય છાત્ર સાંસદમાં તેમના વિચારો રજૂ કરશે.

 

(10:52 pm IST)