Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

નીતિન પટેલની બાદબાકી : હોસ્પિટલ લોકાર્પણના નિમંત્રણમાં નામ જ નહિ!

શાસકોની ભૂલ કે આગમના એંધાણ? ગરમાગરમ રાજકીય ચર્ચા : નીતિન પટેલ કહે છે, કાર્યક્રમ સરકારનો નહિ, કોર્પોરેશનનો છે : હું હાજરી આપવાનો છું : નામ બાબતે કોઇ વિવાદ હોવાનું મારી જાણમા નથી

રાજકોટ તા. ૧૯ : અમદાવાદમાં નવનિર્મિત સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટીટયૂટ ઓફ મેડીકલ સાયન્સ એન્ડ રીસર્ચના લોકાર્પણ પ્રસંગના આમંત્રણ કાર્ડમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મેયર બિજલ પટેલનું નામ દર્શાવાયું છે. નિમંત્રક તરીકે કમિશનર વિજય નેહરાનું નામ છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ જ ન છપાતા ચર્ચા જાગી છે. આરોગ્ય મંત્રાલય તેમના હસ્તક હોવા છતાં અને ખાતમુહૂર્ત તેમના જ હસ્તે થયું હોવા છતાં નિમંત્રણ કાર્ડમાંથી તેમની બાદબાકી કરી નાખવામાં આવતા આ બાબત ભૂલ કે ઇરાદો? તે વિશે રાજકીય લોકો જુદી જુદી ચર્ચા કરી રહ્યા છે. કોંગ્રેસે ઇરાદાપૂર્વક નાયબ મુખ્યમંત્રીની બાદબાકી કરી નાખવામાં આવ્યાનો ટોણો માર્યો છે. જો આ બાબત સાચી હોય તો આગમના એંધાણરૂપ ગણાય.

દરમિયાન આ અંગે શ્રી નીતિન પટેલને પૂછતા તેમણે અકિલાને જણાવેલ કે, કાર્યક્રમ રાજ્ય સરકારનો નહિ, મહાનગરપાલિકાનો છે. હું તેમાં હાજરી આપવાનો છું. કોના નામ લખવા તે મહાનગરપાલિકાએ નક્કી કર્યું હશે. હું આ બાબતે કોઇ વિવાદ હોવાનું માનતો નથી.

(3:38 pm IST)