Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

અમદાવાદ જિલ્લાના 9 તાલુકાઓમાં 2.08 લાખ હેક્ટર વિસ્તાર દુષ્કાળગ્રસ્ત જાહેર :ખેડૂત સહાય માટે 1.31 લાખ અરજી આવી

ધોળકા તાલુકામાંથી સૌથી વધુ ૨૨,૪૫૦ અરજી આવી: ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવાઇ છે.

અમદાવાદ :અમદાવાદ જિલ્લામાં ૯ તાલુકાઓમાં ૨,૦૮,૨૬૭ હેક્ટર વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયો છે. જેમાં સરકારે ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે અરજી મંગાવી હતી. તા.૧૫ જાન્યુઆરી સુધીમાં જિલ્લામાંથી કુલ ૧,૩૧,૮૮૦ ખેડૂતોએ સહાય માટે અરજી કરી છે.હવે ત્રીજી વખત અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવાઇ છે. જેમાં હવે ૩૧ જાન્યુઆરી સુધીમાં અરજી કરી શકાશે.

  માંડલ, દેત્રોજ અને વિરમગામ તાલુકામાં ૪૮૨૨.૭ હેક્ટર વિસ્તારના ખેડૂતોને ૩૨૭.૯૫ લાખ રકમ સહાય પેટે ચૂકવી દેવાઇ છે. બાકીના તાલુકાઓમાં આવતીકાલથી ચૂકવણા શરૃ થશે.તમામ ખેડૂતોને સહાયની રકમ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. જે ખેડૂતોએ સહાય માટેના ફોર્મ ન ભર્યા હોય તેઓએ ૩૧ જાન્યુઆરી સુધી ભરી દેવાના રહેશે

 . દસક્રોઇ, ધોળકાના ખેડૂતોને રૃ.૬,૩૦૦, ધોલેરા, બાવળા અને ધંધૂકા માટે ૫,૩૦૦ તેમજ સાણંદ માટે ૫,૮૦૦ અને દેત્રોજ, માંડલ અને વિરમગામના ખેડૂતોને હેક્ટરદીઠ ૬,૮૦૦ રૃપિયાની આર્થિક સહાય મળનાર છે.ખેડૂત સહાય માટે ધોળકા તાલુકામાંથી સૌથી વધુ ૨૨,૪૫૦ અરજી આવી છે. વરસાદ અને સિંચાઇના પાણીના અભાવે છેલ્લી ત્રણ સિઝન નિષ્ફળ ગઇ છે. દસક્રોઇમાં ૧૩,૨૯૧ હેક્ટર વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયો છે.
ધોળકામાં ૩૬,૬૯૦, સાણંદમાં ૩૦,૫૦૦, ધોલેરામાં ૨૨,૮૫૦, બાવળામાં ૨૩,૨૬૬, ધંધૂકામાં ૨૫,૬૩૩, માંડલમાં ૧૦,૭૭૭, દેત્રોજમાં ૧૦,૨૫૦ અને વિરમગામ તાલુકામાં ૩૫,૦૦૯ હેક્ટર વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયો છે.

 

(4:10 pm IST)