Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

સુરતમાં વૃદ્ધ વેપારીની હત્યામાં ચોંકાવનારો ખુલાસો : સગા ભત્રીજાએ રૂપિયાની લેતીદેતી બાબતે હત્યા કરી

ગિરીશ ઉધારીના પૈસા લેવા માટે પ્રવિણભાઇ પાસે ગયેલ : માથાકૂટ થતા ઉશ્કેરાયેલા ગિરીશે પ્રવિણભાઇના હાથ બાંધી તેમની હત્યા કરી

 

સુરત: શહેરના વરાછા વિસ્તારના કમલપાર્ક સોસાયટીમાં વૃદ્ધ વ્યક્તિની ઘાતકી હત્યાની ઘટના બની હતી. આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સગા ભત્રીજાએ રૂપિયાની લેતીદેતી બાબતે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા કામલપાર્ક સોસાયટીમાં હીરાની લેવેચ કરતા પ્રવિણભાઈ નકુમની હત્યા કરેલી લાશ મળી આવી હતી. પ્રવિણભાઈની કોઈ બોથડ પદાર્થ વડે હત્યા કરી હત્યારા ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે તપાસ કરતાં સીસીટીવી ફુટેજમાં બે આરોપી ભાગતા નજરે પડ્યા હતા. તપાસમાં મૃતક પ્રવિણભાઈનો સગા ભત્રીજા ગિરીશ નકુમની અવરજવર જણાતા ક્રાઈમ બ્રાન્ચે ગિરીશની અટકાયત કરી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, ગિરીશ ઉધારીના પૈસા લેવા માટે પ્રવિણભાઇ પાસે ગયો હતો. આ દરમિયાન તેમની વચ્ચે માથાકૂટ થઇ હતી. ઉશ્કેરાયેલા ગિરીશે પ્રવિણભાઇના હાથ બાંધી તેમની હત્યા કરી નાંખી હતી. નોંધનીય છે કે, ગિરિશે લૂંટનો સીન ઉભો કરીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે પોલીસે ચપળતાથી આરોપીને પકડી પાડ્યો છે.

(12:01 am IST)