Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળમાં વિખવાદ : અંદરો અંદર બે ફાંટા પડ્યા : રાજીનામાનો દોર

પ્રતિનિધિઓએ આંદોલન સમેટી લેવાનું એલાન કર્યું :મહામંડળના હોદ્દેદારોએ આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય કર્યો : મહેસાણા રાષ્ટ્રીય પ્રાથમિક સંઘ, માળીયા રાષ્ટ્રીય શૈક્ષિણ સંઘ, મોરબી જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિણ સંઘ દ્વારા રાજીનામા આપી દેવાયા

અમદાવાદ ;  ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળમાં વિખવાદ થયો છે અને અંદરો અંદર બે ફાંટા પડી ગયા છે. ર્મચારી મહામંડળના પ્રતિનિધિઓએ આંદોલન સમેટી લેવાનું એલાન કર્યું છે, ત્યારે બીજી તરફ તેજ કર્મચારી મહામંડળના હોદ્દેદારોએ આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. ધી ગુજરાત સચિવાલય ફેડરેશને માસ સીએલ પર જવાનો નિર્ણય કર્યો છે. જ્યારે કેટલાક કર્મચારીઓએ માસ સીએલ પર જવાની મનાઈ કરી રાજીનામા આપી દીધા. જેમાં ખાસ કરીને મહેસાણા રાષ્ટ્રીય પ્રાથમિક સંઘ, માળીયા રાષ્ટ્રીય શૈક્ષિણ સંઘ, મોરબી જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિણ સંઘ દ્વારા રાજીનામા આપી દેવામાં આવ્યા છે.

 જૂની પેન્શન યોજના, સાતમા પગાર પંચના બાકી ભથ્થા સહિતના 15 જેટલા પડતર પ્રશ્નો બાબતે ઉકેલ ન આવતા રાજ્યના સરકારી કર્મચારીઓએ 17મી સપ્ટેમ્બરે માસ સી.એલ. પર જવાનો નિર્ણય કર્યો છે.રાજ્ય કક્ષાએથી ગુજરાત રાજ્ય સયુંકત કર્મચારી મોરચા અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા લડતનો તબક્કાવાર કાર્યક્રમ જાહેર કરાયો હતો જેમાં અગાઉ રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી સાથે કલેકટરને આવેદનપત્રો અપાયા, ત્યારબાદ 11 સપ્ટેમ્બર, રેલી સાથે સબંધિત કલેકટરોને આવેદનપત્રો આપી પોતાની માંગણીઓ બુલંદ બનાવી હતી. 

તેમ છતાં સરકાર તરફથી કોઈ પ્રતિસાદ ન સાંપડતા સયુંકત કર્મચારી મોરચા અને મહા મંડળ દ્વારા લડતના ત્રીજા તબક્કાના મંડાણ થયા છે. સંગઠન દ્વારા અગાઉ જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ મુજબ 17 સપ્ટેમ્બર, શનિવારે રાજ્યભરના કર્મચારીઓ માસ સી.એલ. પર ઉતરી કામગીરીનો બહિષ્કાર કરી લડતમાં જોડાશે.

(11:09 pm IST)