Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

યુથ કોંગ્રેસ યોજશે 27 જિલ્લાઓમાં ‘યુવા પરિવર્તન યાત્રા’ અંબાજીથી ઉમરગામ અને સોમનાથથી સુઇગામની યાત્રા

આગામી 22 સપ્ટેમ્બરથી અંબાજી માના દર્શન કરી અંબાજીથી ઉમરગામ યાત્રાની શરૂઆત કરાશે: બીજા તબક્કામાં દશેરાએ સોમનાથ મહાદેવના દર્શન કરી સોમનાથથી સુઈગામની યાત્રા કરાશે:.2100 કિલોમીટરની યાત્રામાં રોજ એક બાઇક રેલી, જાહેર સભા અને સાંજે મશાલ રેલીનું આયોજન

અમદાવાદ : ગુજરાતના યુવા મતદારોને કોંગ્રેસ  તરફ ખેંચવા ગુજરાત યુથ કોંગ્રેસ 27 જિલ્લાઓમાં યાત્રા યોજશે. ‘યુવા પરિવર્તન યાત્રા’ અંબાજીથી ઉમરગામ અને સોમનાથથી સુઈગામ એમ બે તબક્કામાં યોજાશે. 22 સપ્ટેમ્બરે અંબાજી માં દર્શન સાથે યાત્રાની શરૂઆત થશે.   

  યુવાઓને પ્રશ્નો અને કોંગ્રેસની સરકાર બનશે તો 10 લાખ નોકરી અને બેરોજગારી ભથ્થાની વાત લઈ યાત્રા 2100 કિલોમીટર ફરશે. જેમાં રાજ્યમાં ફિક્સ વેતન, ટાટ-ટેટ, એલ આર ડી, સહિતના અનેક આંદોલનો ચાલી રહ્યા છે કે જે સીધી રીતે યુવાઓને અસર કરે છે. સરકારની નીતિઓથી નારાજ યુવાઓને કોંગ્રેસ પક્ષ સાથે જોડવા યુથ કોંગ્રેસ રાજ્યના 27 જિલ્લાઓને સમાવતી ‘યુવા પરિવર્તન યાત્રા’ શરૂ કરશે.

  આગામી 22 સપ્ટેમ્બરથી અંબાજી માના દર્શન કરી અંબાજીથી ઉમરગામ યાત્રાની શરૂઆત કરાશે. જ્યારે બીજા તબક્કામાં દશેરા એ સોમનાથ મહાદેવના દર્શન કરી સોમનાથથી સુઈગામની યાત્રા કરાશે.2100 કિલોમીટર ની યાત્રામાં રોજ એક બાઇક રેલી, જાહેર સભા અને સાંજે મશાલ રેલીનું આયોજન કરી વધારેમાં વધારે મતદાતાઓ સુધી પહોંચવા પ્રયત્ન કરાશે.

  ‘યુવા પરિવર્તન યાત્રા’ અંગે વાતચીત કરતા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું કે 27 વર્ષના ભાજપના શાસનમાં સૌથી વધુ સહન કરવાનું કોઈ ને આવ્યું હોય તો તે ગુજરાતના યુવાનો છે. ગુજરાતમાં 40 લાખથી વધુ શિક્ષિત યુવાનો માટે પૂરતા રોજગારની વ્યવસ્થા નથી, બીજી તરફ કોન્ટ્રાક્ટ પ્રથા – આઉટ સોર્સીંગ દ્વારા ગુજરાતના યુવાનોનું સુનિયોજીત શોષણ કરવામાં આવી રહ્યું છે. 20થી વધુ સ્પર્ધાત્મક પરિક્ષાના પેપર ફૂટવા, વારંવાર પરિક્ષાઓમાં ગેરરીતિ, નિમણુંકમાં વિલંબ સહિતના પ્રશ્નોથી ગુજરાતના યુવાનો ભાજપ સરકારમાંથી વિશ્વાસ ગુમાવી ચુક્યાં છે ત્યારે યુવાઓ કોંગ્રેસ સાથે જોડાશે.

(10:42 pm IST)