Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

વિપુલ ચૌધરીના સમર્થનમાં ખેરાલુ તાલુકા ભાજપમાંથી ૩૦ જેટલા હોદ્દેદારોના રાજીનામાં :રાજકારણમાં ગરમાવો

દીયોદર, કાંકરેજ, થરાદ અને સૂઈગામ તાલુકામાં અર્બુદા સેના દ્વારા આવેદન અપાયા: કાલે દિયોદર બંધનું એલાન : આંજણા ચૌધરી સમાજમાં વિપુલ ચૌધરીની ધરપકડને લઈ ભારે રોષ

અમદાવાદ : દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરીની આર્થિક ગોટાળા મામલે તેમના પંચશીલ ગાંધીનગર સ્થિત નિવાસસ્થાનેથી મોડી રાત્રે એસીબી અને ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ મામલો ગરમાયો છે. વિપુલ ચૌધરીના બચાવમાં અર્બુદા સેના મેદાનમાં ઉતરી છે અને ઉત્તર ગુજરાતમાં તેની આગ પ્રસરી છે. દીયોદર, કાંકરેજ, થરાદ અને સૂઈગામ તાલુકામાં આજે અર્બુદા સેના દ્વારા આવેદન અપાયા છે તો આવતીકાલે દીયોદર બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે.

 બીજી તરફ હવે વિપુલ ચૌધરીની ધરપકડની આગ ભાજપને પણ દઝાડે તેવી સ્થિતિ જાેવા મળી રહી છે. ખેરાલુ તાલુકા ભાજપમાંથી ૩૦ જેટલા રાજીનામા પડ્યા છે, જુદા જુદા મોરચાના હોદ્દેદારોએ વિપુલ ચૌધરીના સમર્થનમા રાજીનામા આપતા ભાજપ માટે મુશ્કેલી સર્જાઈ છે. આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત ભાજપમાંથી મોટાપાયે આંજણા ચૌધરી સમાજના હોદ્દેદારો રાજીનામા આપીને ભાજપને જડબાતોડ જવાબ આપી શકે છે. હાલ આંજણા ચૌધરી સમાજમાં વિપુલ ચૌધરીની ધરપકડને લઈ ભારોભાર રોષ જાેવા મળી રહ્યો છે અને હવે સમાજ આરપારની લડાઈ લડી લેવાના મૂડમાં છે.  અગાઉ અર્બુદા સેનાએ ચીમકી ઊચ્ચારી છે કે, વિપુલ ચૌધરીને છોડવામાં નહી આવે તો આંદોલનને આક્રમક બનાવવામાં આવશે અને રાજ્યભરમાં લઈ જવામાં આવશે.

 વિપુલ ચૌધરીની ધરપકડ કરાયા બાદ એસીબીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે,રૂા.૭૫૦ કરોડનું કૌભાંડ આચર્યુ છે. તેઓ વર્ષ-૨૦૦૫થી વર્ષ-૨૦૧૬ સુધી દૂધ સાગર ડેરીમાં ચેરમેન તરીકે કાર્યરત હતા અને તેમના શાસન દરમિયાન સત્તાનો દુરપયોગ કરીને ટેન્ડર પ્રક્રિયા કર્યા વિના બલ્ક મિલ્ક કુલરની ખરીદી કરી ભ્રષ્ટાચાર આચર્યો હતો. આ સિવાય બનાવટી કંપનીઓ ઊભી કરીને તેમાં ડાયરેક્ટર તરીકે પોતાની પત્ની ગીતા ચૌધરી, પૂત્ર પવન ચૌધરી તેમજ મળતિયા માણસો રાખીને અંગત નાણાકીય લાભ મેળવ્યા છે. વિપુલ ચૌધરીની ધરપકડના વિરોધમાં ઉત્તર ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને અર્બુદા સેના આકરા પાણીએ જાેવા મળી રહી છે. આજે દહેગામ અને માણસામાં અર્બુદા સેના દ્વારા આવેદન આપવામાં આવ્યા હતા અને વિપુલ ચૌધરીને મૂક્ત કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી અને જાે તેમ કરવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી હતી. 

   વિપુલ ચૌધરીની ધરપકડ બાદ અર્બુદા સેના સક્રિય થઈ છે અને જિલ્લા મથકોએ આવેદન આપવામાં આવી રહ્યાં છે. ગાંધીનગરમાં પણ અર્બુદા સેના દ્વારા કલેક્ટરને આવેદન અપાયું હતું અને કહેવાયું હતું કે, રાજકીય કિન્નાખોરી રાખીને વિપુલ ચૌધરીની અટકાયત કરવામાં આવી છે. તાત્કાલિક અસરથી વિપુલ ચૌધરીને મૂક્ત કરવામાં નહી આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો માર્ગ અખત્યાર કરવામાં આવશે. દૂધ સાગર ડેરીના આર્થિક ગોટાળા મામલે ગઈકાલે મધરાતે વિપુલ ચૌધરીની તેમના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. મોડી રાતથી જ આ મામલો પ્રકાશમાં આવતા આંજણા ચૌધરી સમાજમાં હડકંપ મચી જવા પામ્યો હતો અને વિપુલ ચૌધરીના સમર્થનમાં મોટી સંખ્યામાં આગેવાનો અને લોકો સામે આવ્યા હતા. ગાંધીનગર જિલ્લામાં આજે અર્બુદા સેના દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું. જેમા કહેવાયું હતું કે, રાજકીય કિન્નાખોરી રાખીને અગાઉ પણ વિપુલ ચૌધરી ડેરીની ચૂંટણી ન લડી શકે તે માટે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં જામીન ઉપર મૂક્ત કરવામાં આવ્યા હતા.

    એ પછી તેમની કોઈ પણ પ્રકારની એવી પ્રવૃત્તિ હતી નહી કે તેમની ધરપકડ કરવી પડે તેમ છતાં પણ ઓચિંતી ધરપકડ કરવામાં આવી છે જે અનેક સવાલો ઊભા કરે છે. વિપુલ ચૌધરી છેલ્લા કેટલાક સમયથી અર્બુદા સેનાને મજબૂત બનાવી રહ્યા છે અને તેનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે અડધી રાત્રે ધરપકડ કરવાનો હેતુ શું તે સમાજને સમજાતો નથી. વિપુલ ચૌધરીને તાકીદની અસરથી મૂક્ત કરવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી છે. જાે તેમ કરવામાં નહી આવે તો આંજણા ચૌધરી સમાજ અને અર્બુદા સેના આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. વિપુલ ચૌધરીની ધરપકડ બાદ હાલ મામલો ગરમાયો છે અને ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. અગાઉ ડેરીના વાઈસ ચેરમેન મોઘજી ચૌધરીએ પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના ઈશારે વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં ઉત્તર ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ શકે છે. હવે આગામી દિવસોમાં ભાજપમાં પણ ભડકો થાય તેવા સંકેત મળી રહ્યા છે

(8:55 pm IST)