Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

વિપુલ ચૌધરીના મહેસાણા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા :23 તારીખ સુધી જેલમાં જ રહેવું પડશે

દૂધસાગર ડેરીના નાણાકીય ગોટાળાને લઇને મોટી કાર્યવાહી: કોર્ટની બહાર મોટી સંખ્યામાં અર્બુદા સેનાના કાર્યકરો ભેગા થયા

મહેસાણા : પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીના મહેસાણા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વિપુલ ચૌધરી 23 તારીખ સુધી જેલમાં જ રહેશે. કોર્ટની બહાર મોટી સંખ્યામાં અર્બુદા સેનાના કાર્યકરો ભેગા થતા વિપુલ ચૌધરીને પાછળના દરવાજેથી કોર્ટમાં લઇ જવામાં આવ્યા હતા.

દૂધસાગર ડેરીના નાણાકીય ગોટાળાને લઇને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી અને તેમના CA શૈલેષ પરીખની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. મહેસાણા ACBમાં દૂધસાગર ડેરીમાં નાણાકીય ગોટાળાને લઇને બન્ને સામે ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં 17 બેનાની કંપની ઉભી કરીને રકમ બારોબાર ટ્રાન્સફર કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા.

વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીના ચેરમેન રહી ચુક્યા છે. વિપુલ ચૌધરીના કાર્યકાળ દરમિયાન ડેરીના નાણાકીય વ્યવહારમાં ગેરરીતિની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ તપાસ બાદ 800 કરોડ રૂપિયાનું કૌભાંડ થયુ હોવાનું સામે આવ્યુ હતુ. ACBના જોઇન્ટ ડિરેક્ટર મકરંદ ચૌહાણ અનુસાર, વિપુલ ચૌધરીનો દૂધસાગર ડેરીમાં કાર્યકાળ 2005થી 2016 સુધીનો રહ્યો હતો. આ કાર્યકાળ દરમિયાન તેમણે અલગ અલગ 800 કરોડથી વધુના કૌભાંડ કર્યા હતા. વિપુલ ચૌધરીએ બનાવેલી બોગસ કંપનીના નામે ખોલાવેલા બોગસ બેન્ક ખાતામાંથી પત્ની, પુત્ર અને CAના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો.

(7:26 pm IST)