Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

અમદાવાદમાં રખડતા ઢોરના ત્રાસને નિવારવા હોટસ્પોટ વિસ્તારમાં સીસીટીવી મુકવામાં આવશે

અમદાવાદ: રખડતા ઢોરોના ત્રાસ અંગેની કન્ટેમ્પ્ટ પિટિશન અને જાહેરહિતની રિટની સુનાવણી દરમ્યાન આજે ગુજરાત હાઈકોર્ટે ફરી એકવાર રાજય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ તંત્ર સહિતના સત્તાવાળાઓને ટપારતાં જણાવ્યું હતું કે, સરકારે કહેલી વાતો માત્ર કાગળ પર રહી છે, જમીની હકીકતમાં ઠોસ કામગીરી દેખાતી નથી. રખડતા ઢોરના ત્રાસ નિવારણની અસરકારક કામગીરી ન થાય તેવા સંજોગોમાં જે તે જિલ્લા કલેકટર, એસપીને કોર્ટના હુકમના તિરસ્કાર બદલ જવાબદાર ઠેરવી અદાલતી તિરસ્કારની કાર્યવાહી કરાશે. હાઇકોર્ટે રખડતા ઢોરના કારણે થતા અક્સ્માત, ઇજા અને મૃત્યુના કિસ્સામાં ઢોર માલિકો, કોર્પોરેશન અને સરકારને જવાબદાર ઠરાવી આ અંગે કેવી રીતે વળતર ચૂકવાશે તે મુદ્દે સરકાર અને સત્તાવાળાઓને જવાબ રજૂ કરવા હુકમ કર્યો છે.  

રખડતા ઢોરોના ત્રાસ સહિતના મુદ્દે એડવોકેટ અમિત પંચાલ દ્વારા કરાયેલી કન્ટેમ્પ્ટ અરજી અને અન્ય જાહેરહિતની રિટમાં આજે હાઇકોર્ટે રાજય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના તમામ કોર્પોરેશન, નગરપાલિકાઓ, પોલીસ તંત્ર સહિતના સત્તાધીશોને સતત અસરકારક કામગીરી કરી આ જટિલ સમસ્યાનું નિરાકરણ લાવવા નિર્દેશ કર્યો હતો. હાઇકોર્ટ સમક્ષ રાજ્ય સરકાર દ્વારા આજે બહુ મોટું નિવેદન કરતાં જણાવાયું હતું કે, અમદાવાદ શહેર સહિત રાજયભરમાં રખડતા ઢોર ફરતા હોય તેવા હોટસ્પોટ્સ પર સીસીટીવી ઇન્સ્ટોલ કરાશે. એટલું જ નહી, હવેથી રખડતા ઢોરના ત્રાસની ફરિયાદ ૧૦૦ નંબર પર કરી શકાશે, પોલીસ પણ આવી ફરિયાદોના નિવારણ માટે તાત્કાલિક કાર્યવાહી કરશે. નાગરિકો ૧૦૦ નંબર પર ફરિયાદ કરી સમસ્યાનું નિવારણ કરાવી શકશે. સાથે સાથે રખડતા ઢોરના ત્રાસની ફરિયાદ માટે રાજ્ય સરકાર અલાયદો ટોલ ફ્રી નંબર જાહેર કરશે. સરકાર દ્વારા રખડતા ઢોરના ત્રાસ નિવારણ માટે એક ગ્રીવન્સ સેલ પણ ઉભો કર્યો છે. 

(6:23 pm IST)