Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

વડોદરાના છાણી જકાતનાકા વિસ્તારમાં સરકારી નોકરી અપાવવાના બહાને ભેજાબાજે અઢી લાખ પચાવી પાડતા પોલીસ ફરિયાદ

વડોદરાઃ વડોદરાની હોસ્પિટલમાં નોકરી કરતી નર્સને ગર્વમેન્ટ જોબના અપાવવાના નામે એક ભેજાબાજે રૃ.અઢી લાખ પડાવી લેતાં ફતેગંજ પોલીસે ગુનો નોંધ્યો છે.

છાણી જકાતનાકા વિસ્તારમાં ધનલક્ષ્મી એવન્યૂ ખાતે રહેતા અને અટલાદરાની હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા કાજલબેન આહિરે પોલીસને કહ્યું હતું કે,મારી સાથે નર્સિંગનો કોર્સ કરનાર બોરસદના દિનકર જાદવે મને ગર્વમેન્ટમાં નર્સિંગની જગ્યા માટે એપ્લાય કરવા માટે કહ્યું હતું.તેણે પોતે પણ એપ્લાય કર્યું હોવાથી તેના બનેવી કેતનભાઇ મારફતે સચિન પટેલનો સંપર્ક થયો હતો.

સચિન પટેલે ગર્વમેન્ટમાં જોબ અપાવવાના નામે વાતચીત કરી ડોક્યુમેન્ટ મંગાવ્યા હતા.તેણે કહ્યું હતું કે,આ ડોક્યુમેન્ટ ચેક કરીને હું નોકરી માટે પાકું કરી દઇશ.આ પેટે રૃ.અઢી લાખ આપવા પડશે.જેથી આ રકમ મેં તેને આપી હતી.

પરંતુ ત્યારબાદ સચિન પટેલ બહાના  બતાવતો હતો.ગઇ તા.૪થીએ તેની સામે બોરસદમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાતા મને શંકા ગઇ હતી.ફતેગંજના પીએસઆઇ મુકેશ ચૌધરીએ આ અંગે સચિન ગોરધનભાઇ પટેલ (નદીસર,ગોધરા) સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(6:23 pm IST)