Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

સુરત:માનદારવાજા વિસ્તારની 16 વર્ષીય તરુણીને લગ્નની લાલચ આપી નરાધમે દુષ્કર્મ આચરતા અદાલતે 20 વર્ષની સજાની સુનવણી કરી

સુરત:શહેરમાં બે વર્ષ પહેલાં માનદરવાજા વિસ્તારની 16 વર્ષની તરૃણીને લગ્નની લાલચે બે વાર ભગાડી જઈને તેની સાથે એકથી વધુવાર શારીરિક સંબંધ બાંધીને બળાત્કાર ગુજારનાર 21 વર્ષીય આરોપી યુવકને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ ડી.પી.ગોહીલે તમામ ગુનામાં દોષી ઠેરવી 20 વર્ષની સખ્તકેદ,રૃ.2 હજાર દંડ તથા દંડ ન ભરે વધુ 15 દિવસની કેદની સજા ફટકારી છે.જ્યારે ભોગ બનનારને રૃ 3 લાખ વળતર ચુકવવા કોર્ટે નિર્દેશ આપ્યો છે.

સલાબતપુરા વિસ્તારમાં રેશમવાડ ખાતે રહેતા 21 વર્ષીય આરોપી વિશાલ મહેશ પટેલ ગઈ તા.7-3-20ના રોજ માનદરવાજા વિસ્તારમાં રહેતી 16 વર્ષ ત્રણ માસની વયની તરૃણીને લગ્નની લાલચ આપીને પોતાના દાદા-દાદીના ઘરે લઈ ગયો હતો.જ્યાં આરોપીએ ભોગ બનનાર સગીર હોવાનું જાણવા છતાં ચાર મહીના સાથે રાખીને તેની સાથે એકથી વધુ વાર શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો.જેથી ભોગ બનનારની ફરિયાદી માતાએ આરોપી વિરુધ્ધ સલાબતપુરા પોલીસમાં ઈપીકો-363,366,376(1)(એન) તથા પોક્સો એક્ટની કલમ-4,6,8 તથા 10 મુજબની ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.

આ કેસની ન્યાયિક કાર્યવાહી દરમિયાન આરોપીના બચાવપક્ષે મુખ્યત્વે ભોગ બનનાર તતા આરોપી વચ્ચે ચાર વર્ષોથી પ્રેમસંબંધ હોવાનો બચાવ લીધો હતો.જે મુજબ આ અગાઉ પણ ભોગ બનનાર પોતાની સ્વૈચ્છાએ ઘર છોડીને આરોપી સાથે ભાગી ગઈ હતી.જેને પરત પાછી  સોંપવામાં આવી હોવા છતાં ભોગ બનનાર બીજીવાર આરોપી સાથે સ્વૈચ્છાએ ભાગી જઈને મરજીથી સંબંધ બાંધ્યા હોવાની હીસ્ટ્રી આપી હોવાનું જણાવ્યું હતુ.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી સુરેશ પાટીલે કુલ 10 સાક્ષીઓ તથા 31 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપીએ ભોગ બનનારને જો તેની સાથે નહીં આવે તો મરી જવાની ધમકી આપીને બે વાર લગ્નની લાલચે ભગાડી ગયો હતો.તદુપરાંત સગીર હોવાનું જાણવા છતાં તેની સાથે શરીર સંબંધ બાંધીને બળાત્કાર ગુજાર્યો હોઈ આરોપી વિરુધ્ધ પોક્સો એક્ટના ભંગનો ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ છે.

(6:22 pm IST)