Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

સુરતના અડાજણ વિસ્તારની સોમેશ્વર સોસાયટીમાં માનસિક બીમાર પત્નીથી કંટાળી કંપનીના આસી.મેનેજરે ગળેટુંપો દઈ પત્નીની હત્યા કરતા ચકચાર મચી જવા પામ્યો

સુરત: શહેરના અડાજણ એલ.પી. સવાણી સ્કૂલ નજીક સીએનજી સ્ટેશનની પાછળ સોમેશ્વરા સોસાયટીમાં રહેતા અને હજીરા સ્થિત અદાણી કંપનીમાં મેઇન્ટેન્સ ડિપાર્ટમેન્ટમાં આસીસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતા દિનેશ સોમા પટેલ (મૂળ રહે. શામળા ગામ, તા. લુણાવાડા, જિ. મહીસાગર) ની પત્ની ગત બપોરે એલ.પી. સવાણી સ્કૂલમાં પ્રિન્સીપાલને મળવા ગઇ હતી. જયાંથી પરત આવ્યા બાદ ઘરનું કામકાજ પતાવ્યા બાદ ઘરના હોલમાં સુઇ ગઇ હતી. મોડી સાંજ સુધી નહીં ઉઠતા દિનેશે ચાદર ખેંચી અને બુમ પાડી ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ શરીર ઠંડુ પડી ગયું હોવાથી દિનેશે તુરંત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એમ્બ્યુલન્સના સ્ટાફે વૈશાલીને મૃત જાહેર કરી હતી અને તેના ગળાના ભાગે ઘસરકાના નિશાન હોવાથી અડાજણ પોલીસને જાણ કરી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વૈશાલીના મૃતદેહનો નવી સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં વૈશાલીનું મોત ગળું દબાવવાથી શ્વાસ રૂંધાવાને કારણે થયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું. જેથી પોલીસે પતિ દિનેશની પૂછપરછ કરતા શરૂઆતમાં ગોળ ગોળ ફેરવી હતી. પરંતુ આકરી પૂછપરછમાં દિનેશે કબૂલાત કરી હતી કે વૈશાલી છેલ્લા ત્રણેક વર્ષથી માનસિક બિમાર હતી અને રોજબરોજ ઝઘડા કરતી હતી. પડોશીઓ સાથે પણ ઝઘડા કરતી હતી અને છુટાછેડા આપવાનો અને અલગ રહેવાનો પણ ઇન્કાર કરતી હતી. ગત બપોરે પુત્રીની સ્કૂલમાં જઇ પ્રિન્સીપાલ સાથે પણ ઝઘડો કર્યો હતો. સ્કૂલેથી પરત આવ્યા બાદ દિનેશ સાથે પણ ઝઘડો કર્યો હતો અને છુટો દસ્તો માર્યો હતો. જેમાં દિનેશને સામાન્ય ઇજા થતા બંને વચ્ચે ઝપાઝપી થઇ હતી અને દુપટ્ટા વડે ગળુ દબાવી મોતને ઘાત ઉતારી હતી. ત્યાર બાદ ઝેરી દવાની બોટલ તેની નજીક મુકી આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્કૂલમાં પ્રિન્સીપાલ સાથે ઝઘડો કરી પરત આવેલી વૈશાલીએ પતિ દિનેશ સાથે પણ ઝઘડો કર્યો હતો. વૈશાલીએ છુટો દસ્તો મારતા દિનેશ સાથે ઝપાઝપી થતા ગળે ટૂંપો આપી દીધો હતો. ત્યાર બાદ દિનેશે ઝેરી દવાની બોટલ વૈશાલીની પાસે મુકી દીધી હતી. પુત્રી સ્કૂલેથી પરત આવી ત્યારે તેને પણ ગંધ આવવા દીધી ન હતી પરંતુ છેક આઠ વાગ્યે વૈશાલીને ઉઠાડવાનો ઢોંગ પણ કર્યો હતો. પોલીસે દિનેશની પૂછપરછ કરતા બપોરે તેઓ હોટલમાં જમવા ગયા હોવાનું અને તેણીએ આપઘાત કર્યાનું રટણ કરી ગોળ ગોળ ફેરવવાનો પ્રયાસ કર્યો હતો.

(6:22 pm IST)