Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

નડિયાદ તાલુકાના પીપલગ રોડ નજીક બે જગ્યામાં તસ્કરી થતા વેપારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો

નડિયાદ:તાલુકાના પીપલગ પીપળાતા રોડ ઉપર આવેલ એકતા ઓફસેટ તથા ક્રિષ્ના ડેરીની દુકાનના કોઈ અજાણ્યા તસ્કરોએ શટર તોડી ડેરીમાંથી રોકડ રકમ - પરચુરણ મળી અંદાજે કુલ રૂપિયા ૩૬,૧૪૦ નો મુદ્દા માલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ સંદર્ભે નડિયાદ રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

 નડિયાદ તાલુકાના પીપલગ ચોકડી થી પીપળાતા રોડ ઉપર કલ્પેશભાઈ શાહની એકતા ઓફસેટ તથા મુકેશભાઈ પંડિતની ક્રિષ્ના ડેરી નામની દુકાન આવેલ છે. ગત રાત્રિના કોઈ અજાણ્યા તસ્કરોએ આ બંને દુકાને પોતાનો નિશાન બનાવી હતી. તસ્કરોએ એકતા ઓફસેટ નું શટર ઊંચું કરી ઓફિસમાં પ્રવેશ કરી તિજોરીઓમાં મુકેલ સામાન રફેદફે કરી દીધો હતો. પણ કાંઈ હાથ લાગ્યું ન હતું. ત્યારબાદ ક્રિષ્ના ડેરીનું તાળું તોડી તસ્કરોએ રૂ. ૧૭,૫૦૦ નું પરચુરણ, રૂ. ૧૮,૩૦૦ રોકડા તથા ગલ્લામાં મુકેલ રૂ. ૩૪૦ રોકડા સહિત કુલ રૂ. ૩૬,૧૪૦ ની મતા ની ચોરી કરી હતી. ત્યારબાદ અમૂલ પાર્લરમાં પ્રવેશી તસ્કરોએ આઈસ્ક્રીમ ની મોજ માણી હોવાનું મુકેશભાઈ પંડિતે જણાવ્યું હતું. આ બનાવવાની જાણ સવારે બંને દુકાન માલિકોને થતા તેઓએ નડિયાદ રૂરલ પોલીસ મથકે જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

(6:22 pm IST)