Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

મારે ચૂંટણી નથી લડવી : ઇન્‍દ્રનીલ રાજગુરુ

ગુજરાતમાં ‘આપ'ની સરકાર રચાય તે માટે હું શકિત વાપરીશ : જો કે, પક્ષ જે નિર્ણય કરે તે માન્‍ય રહેશે : રાજગુરુની પત્રકાર પરિષદમાં ભાજપની બેફામ ઝાટકણી

રાજકોટ તા. ૧૬ : ‘આપ'ના નેતા ઇન્‍દ્રનીલ રાજગુરુએ પોતે ચૂંટણી ન લડવા ઘોષણા કરી છે. પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ સેક્રેટરી ઇન્‍દ્રનીલ રાજગુરુએ  ૨૭ વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. એલ ફેલ બોલી અને બદનામ કરવાની એમની આદતને લઈ ભ્રષ્ટાચાર ને વચ્‍ચે લઈ, ૨૭ વર્ષથી કોંગ્રેસની નબળાઈના જોરે સરકાર ચલાવી છે. આ વખતે ભાજપ આમ આદમી પાર્ટીનું જોર જોઈ રહી છે અને ડરી રહી છે. અમારા મનોજભાઈ સોરઠીયા ઉપર ગુંડાઓ દ્વારા હુમલા કરવાના, અમારા કોર્પોરેટ ઉપર હુમલા કરવાના, એવી જ રીતે ગઈકાલે અમારા ગેરંટી કાર્ડના કેમ્‍પ ઉપર હુમલો કર્યો, ટૂંકમાં ભાજપ અલગ અલગ પ્રકારના હુમલાઓ કરી આમ આદમી પાર્ટીને રોકવાનો પ્રયત્‍ન કરી રહી છે. એના બધા જ પ્રયત્‍નો નિષ્‍ફળ જઈ રહ્યા છે.

બધા કર્મચારીઓ ગુજરાતમાં આ સરકારના શાસનથી થાકી ગયા છે. એ સનદી અધિકારીઓ પર દબાણની રાજનીતિના ભાગરૂપે નિવૃત્ત સનદી અધિકારીઓની આડમાં આમ આદમી પાર્ટીને ગુજરાતની સરકાર બનાવવાથી રોકી નથી શકતા અને એમણે હવે સમજાઈ ગયું છે કે રોકી નહીં શકાય. ત્‍યારે એ પૂર્વ સનદી અધિકારીઓ દ્વારા આમ આદમી પાર્ટીની માન્‍યતા રદ કરવા સુધીની માનસિકતા સુધી આ ભાજપ પહોંચ્‍યું છે. હું ફરીથી કહેવા માગું છું કે આ લોકશાહીમાં આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજીનો શ્રેષ્ઠ વિકલ્‍પ જનતાને મળ્‍યો છે ત્‍યારે એમના બધા જ પ્રયત્‍નો નિષ્‍ફળ જવાના છે અને માન્‍યતા રદ કરવાની વાત પણ રેવડીની જેમ નિષ્‍ફળ જ જશે.

આવનારા દિવસોમાં સંપૂર્ણ અને સ્‍પષ્ટ રીતે દિલ્‍હી અને પંજાબની જેમ બહુમતી લઈ આમ આદમી પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે. અને જયારે આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્‍યારે જુના ભ્રષ્ટાચારના ઉકેરડાઓ ન નીકળે તેના માટે તેઓ મારવાની, ગુંડાગીરી કરવાની, દબાવવાની, કોઈપણ હદે પહોંચવાની, અને હવે તો માન્‍યતા રદ કરવાની માનસિકતા સુધી પહોંચી ગયા છે ત્‍યારે આ લોકશાહીનું હનન કહેવાય.

પોતાના ચૂંટણી લડવા અંગે ઇન્‍દ્રનીલ રાજગુરુએ જણાવ્‍યું કે, એક ઉમેદવાર તરીકે મારા નામની ચર્ચા થાય એ સ્‍વાભાવિક વાત છે પરંતુ અત્‍યાર સુધી પાર્ટી એ આ બાબતને લઈને કોઈ નિર્ણય લીધો નથી. પાર્ટી કહેશે તો હું લડીશ બાકી મારી ચૂંટણી લડવાની પણ કોઈ ઈચ્‍છા નથી. ભાજપને સત્તામાંથી હટાવીને આમ આદમી પાર્ટીની નિષ્ઠાવાન સરકાર બને અને એમાં મારું એક યોગદાન રહે એવી ઈચ્‍છા સાથે હું લોકોને મદદ કરવા માંગુ છું અને એટલા માટે ચૂંટણી ન લડવી એ મારો અંગત નિર્ણય છે પરંતુ પાર્ટી છેલ્લે જે નિર્ણય લેશે એને હું માન્‍ય રાખીશ તેમ શ્રી રાજગુરુએ જણાવ્‍યું હતું.

(4:30 pm IST)