Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

જુદા-જુદા આંદોલનનાં કારણે વિધાનસભા ગેઇટ બહાર ગાંધીનગરમાં રેપિડ એકશન ફોર્સ તૈનાત

શહેરમાં પ્રવેશતા જુદા-જુદા રસ્‍તાઓ ઉપર પોલીસ બંદોબસ્‍ત

ગાંધીનગર,તા.૧૬ : ગાંધીનગરમાં છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ આંદોલન ચાલી રહ્યા છે અને લોકો મોટી સંખ્‍યામાં સરકાર સામે રસ્‍તા પર ઉતરી આવ્‍યા છે. ગાંધીનગરમાં આંદોલનને કારણે ભીસમાં મુકાયેલી સરકાર તુરંત એક્‍શનમાં આવી ગઇ છે. વિધાનસભા બહાર RAFની ટીમને ઉતારવામાં આવી છે. પોલીસની સાથે હવે ગેટ પર રેપિડ એક્‍શન ફોર્સને પણ તૈનાત કરવામાં આવી છે. પૂર્વ સૈનિકો, આરોગ્‍ય કર્મચારી, કિસાન સંઘ સહિત અલગ અલગ આંદોલનો ગાંધીનગરમાં ચાલી રહ્યા છે.

 ગુજરાત રાજ્‍ય પંચાયત હસ્‍તકના આરોગ્‍ય કર્મચારીઓ ૪૦ દિવસથી હડતાલ પર ઉતર્યા છે. ફ્રન્‍ટ લાઇન કોરોના વોરિયર એવા આરોગ્‍ય કર્મચારીઓ પોતાની માંગણીઓના સમર્થનમાં ગુરૂવારે સચિવાલયનો ઘેરાવ કર્યો હતો. જેમાં રાજ્‍યના તમામ જિલ્લાના આરોગ્‍ય કર્મચારી મોટી સંખ્‍યામાં જોડાયા હતા તો બીજી તરફ ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત વચ્‍ચે આરોગ્‍ય કર્મચારી મહાસંઘના અગ્રણી હોદ્દેદારો મુખ્‍યમંત્રી સમક્ષ આવેદનપત્ર આપવા માટે લઇ જવામાં આવ્‍યા હતા.

 ભારતીય કિસાન સંઘ દ્વારા ચાલી રહેલી હડતાળમાં મોટી સંખ્‍યામાં ખેડૂતો દ્વારા ટ્રેક્‍ટર રેલીનું આયોજન કરવામાં આવ્‍યુ હતુ. ખેડૂતોએ મંત્રી નિવાસસ્‍થાન અને રાજભવનના માર્ગો ઉપર ટ્રેક્‍ટર સાથે રેલી યોજી હતી. કિસાન સંઘ દ્વારા ચાલી રહેલા આંદોલનમાં ખેડૂતો ઘ-૪થી મંત્રી નિવાસ સુધી ટ્રેક્‍ટર સાથે જોડાયા હતા.ખેડૂતોએ સરકાર વિરોધી નિવેદન કર્યા હતા તો બીજી તરફ પ્રતિબંધિત વિસ્‍તારમાં ખેડૂતો પહોચે નહી તે માટે ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો હતો. ખેડૂતોએ સરકાર સામે રામધૂન પણ બોલાવી હતી.

 ગાંધીનગર આંદોલનથી ધણધણી ઉઠ્‍યુ છે. પડતર માંગો ના સ્‍વીકારાત પૂર્વ સૈનિકોએ પણ સરકાર સામે મોરચો માંડ્‍યો છે. સતત ચાર દિવસથી નિવળત સૈનિકો પ્રદર્શન કરી રહ્યા છે. સચિવાલય ફરતે કેન્‍ડલ માર્ચ યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્‍યુ હતુ. ગાંધીનગરમાં ૧૪૪ કલમ લાગુ હોવા છતા પૂર્વ સૈનિકો ધરણા પર બેઠા હતા. વધુ એક પૂર્વ સૈનિકની તબીયત લથડતા સારવાર આપવી પડી હતી.

 અન્‍ય સરકારી કર્મચારી બાદ હવે એસટી કર્મચારીઓએ પણ આંદોલનની જાહેરાત કરી છે. એસટી કર્મચારી મંડળોના એલાનને પગલે ૧૬ સપ્‍ટેમ્‍બરે સોશિયલ મીડિયા આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. એસટી નિગમના ડ્રાઇવર-કંડક્‍ટરથી માંડીને અન્‍ય કર્મચારી મુખ્‍યમંત્રી અને વાહન વ્‍યવહાર મંત્રીને મેસેજ મોકલીને વિરોધ -પ્રદર્શિત કરશે.

 ગાંધીનગરમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતા અચાનક એકા એક આંદોલન ઉભા થયા છે. વિધાનસભા જાણે આંદોલનનું મેદાન બન્‍યુ હોય તેમ લાગી રહ્યુ છે. ગાંધીનગરમાં આંદોલન વધતા પ્રવેશના બધાય માર્ગો પર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્‍યો છે. આ સાથે જ RAFની પણ મદદ લેવામાં આવી છે. મંત્રી નિવાસસ્‍થાન-સચિવાલયની કિલ્લેબંધી કરવામાં આવી છે.

(3:59 pm IST)