Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

ખાદ્ય પદાર્થોના પેકેટ ઉપર 'વધુ પ્રમાણ'ની ચેતવણી લખવી જરૂરી : ખાંડ - ચરબી - નમકની નિધારીત માત્રા દર્શાવવી

ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લીક હેલ્થ - ગાંધીનગર દ્વારા પરામર્શ બેઠક યોજાઇ : ગ્રાહકો આરોગ્યપ્રદ ખોરાકની પસંદગી કરી શકે તે માટે ભલામણ કરતા નિષ્ણાંતો : વિશ્વભરમાં વધુ મૃત્યુ માટે અન્ય કોઇપણ જોખમી પરિબળો કરતા બિન આરોગ્યપ્રદ આહાર વધુ જવાબદાર : ડો. બીના વડાલીયા

ગાંધીનગર તા. ૧૬ : ભારતે પેકેટ-બંધ ખાદ્યપદાર્થો માટે 'ફ્રન્ટ ઓફ-પેકેજ લેબલ' (એફઓપીએલ) અપનાવવું જોઈએ, જે ભારતના લોકો માટે સૌથી વધુ અનુકૂળ છે. એમ 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ-ગાંધીનગર'(IIPHG) દ્વારા આયોજિત એક પરામર્શ બેઠકમાં નિષ્ણાતોએ જણાવ્યું હતું. આજે ભારત જયારે એફઓપીએલ નિયમન લાગુ કરવા જઈ રહ્યું છે, ત્યારે વરિષ્ઠ સરકારી અઘિકારીઓ, શિક્ષણવિદો, જાહેર આરોગ્ય નિષ્ણાતો, ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ અને નાગરિકોએ આ અંગે કેટલીક ભલામણો રજૂ કરી હતી. બિન-ચેપી રોગો (નોન કોમ્યુનિકેબલ ડિસીસ)નાં જોખમ સામે કરોડો લોકોને સુરક્ષા પ્રદાન કરવામાં ફૂડ લેબલ્સની મહત્ત્વની ભૂમિકા પર ભાર મૂકતા નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, એફઓપીએલ ફરજિયાત હોવું જોઈએ, પેકેટના આગળના ભાગમાં 'વધુ પ્રમાણમાં'(હાઇ-ઇન) જેવી ચેતવણીઓ લખવી તેમ જ ખાંડ, ચરબી અને મીઠાની વૈજ્ઞાનિક રીતે નિર્ધારિત માત્રા લખેલી હોવી જોઈએ.
દર વર્ષે ૫૮ લાખથી વધુ ભારતીયો કેન્સર, ડાયાબિટીસ, અનિયંત્રિત હાયપર-ટેન્શન અને હૃદયરોગો જેવા બિન-ચેપી રોગો (એનસીડી)થી મૃત્યુ પામે છે. આ તમામ જીવલેણ રોગોની સારવાર કરવી મુશ્કેલ હોવા છતાં, તંદુરસ્ત ખોરાક પ્રણાલીને ટેકો આપીને ઘણા રોગો અટકાવી શકાય છે. 'નેશનલ ફેમિલી હેલ્થ સર્વે -૫' (એનએફએચએસ-૫) મુજબ સ્થૂળતા અને ડાયાબિટીસના વધતાં જોખમો અંગે પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કરતા, 'આઈઆઈપીએચજી'ના ડાયરેકટર ડો. દિલીપ માવલંકરે જણાવ્યું હતું કે, 'આ જોખમો બીજા વિકાસશીલ દેશોની જેમ ભારતમાં પેકેજડ ફૂડના વપરાશમાં થયેલા વધારા સાથે જોડાયેલી બાબત છે.' 'આ ખાદ્યપદાર્થો વધુ પડતી પ્રક્રિયા કરેલા (અલ્ટ્રા-પ્રોસેસ્ડ) હોવા ઉપરાંત, તેમાં ખાંડ, મીઠું અને ખરાબ ચરબી જેવાં હાનિકારક તત્વો વધુ હોય છે. ભારતમાં બિન-ચેપી રોગોનું જોખમ વધારતાં આ નકારાત્મક પોષક-તત્ત્વોથી ભરપૂર ઉત્પાદનો વિશે લોકોને ચેતવણી આપતું 'ફ્રન્ટ ઓફ-પેકેજ લેબલ'(એફઓઓપીએલ) એ આજના સમયની તાતી જરૂરિયાત છે.'
પરામર્શ બેઠક દરમ્યાન મુખ્ય વકતવ્ય આપતા, ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આસિસ્ટન્ટ ડાયરેકટર શ્રી બીના વડાલિયાએ ખોરાકની બદલાઈ રહેલી પસંદગીઓ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, 'વિશ્વભરમાં વધુ મૃત્યુ માટે અન્ય કોઈ પણ જોખમી પરિબળો કરતાં બિન-આરોગ્યપ્રદ આહાર વધારે જવાબદાર છે. તે સ્થૂળતા, ટાઇપ-૨ ડાયાબિટીસ અને હૃદયરોગનું મુખ્ય કારણ છે. ભારતમાં ખાદ્ય અને પીણા ઉદ્યોગ ૩ કરોડ ૪૦ લાખ ટનના વેચાણ સાથે વિશ્વનો સૌથી મોટો ઉદ્યોગ છે. જુદાજુદા અભ્યાસો દર્શાવે છે કે, ભારતીય પરિવારોમાં, શહેરી અને ગ્રામીણ બાળકો, ચિપ્સ, ઇન્સ્ટન્ટ નૂડલ્સ, ચોકલેટ અને આઇસ્ક્રીમ મોટા પ્રમાણમાં ખાય છે. નિર્ધારિત માત્રા કરતાં વધારે ખાંડ, મીઠું અને સંતૃપ્ત ચરબી ધરાવતાં અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થો અને પીણાં, આપણાં બાળકોને મોટા પ્રમાણમાં બિન-ચેપી રોગોથી પ્રભાવિત કરે છે. આપણે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે, બજારમાં ઉપલબ્ધ તમામ પેકેટ-બંધ ખાદ્યપદાર્થો ઉપર વિજ્ઞાનની ભલામણ મુજબ હાનિકારક ઘટકોની નિર્ધારિત માત્રા લખેલી હોવી જોઈએ.'
ગુજરાતના સૌથી વધુ જાણીતા નાસ્તા-ઉત્પાદક એકમ ઇન્દુબહેન ખાખરાવાલાના ડાયરેકટરશ્રી સત્યેન શાહએ એફઓપીએલને તંદુરસ્ત ભવિષ્ય તરફનું એક પગલું ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, 'ભારતમાં નોંધપાત્ર રીતે વિકાસ પામી રહેલી પેકેજડ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ, આપણા દેશ માટે આરોગ્યપ્રદ આહાર પ્રણાલી ઊભી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવવા તૈયાર છે. મને આશા છે કે, મજબૂત એફઓપીએલ પોષણને લગતી માહિતી અમારા ગ્રાહકો સુધી સરળ તથા અસરકારક રીતે પહોંચાડવામાં અમને ચોક્કસ મદદરૂપ થશે.'
અદાણી ફાઉન્ડેશનના એડવાઇઝર શ્રી કવિતા સરદાનાના જણાવ્યા અનુસાર, 'સરળ, અર્થઘટન આપતું, વિશ્વસનીય, સર્વગ્રાહી અને ગમવા યોગ્ય એવું અસરકારક એફઓપીએલ ખરીદીના નિર્ણયને પ્રભાવિત કરે છે અને તે મહત્ત્વનું નીતિગત માધ્યમ છે. જો આપણે આપણા યુવાનો અને બાળકોનાં સ્વાસ્થ્યનું રક્ષણ કરવું હોય, તો હવે ખોરાકની પ્રણાલીઓને યોગ્ય બનાવવાનો સમય આવી ગયો છે. ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આ ખૂબ જ મહત્ત્વની પ્રક્રિયા શરૂ કરી છે અને અમે આશા રાખીએ છીએ કે, તે ટૂંક સમયમાં ઉપભોકતાઓ માટે અનુકૂળ તેમ જ મીઠું, ખાંડ અને ચરબી જેવાં પોષણ-વિરોધી તત્વોના જથ્થાની મર્યાદા નક્કી કરતું સરળ અને અર્થઘટનાત્મક એફઓઓપીએલ અપનાવશે.'
આજે જયારે ભારત એફએસએસએઆઈ તરફથી એફઓપીએલ નિયમનની રાહ જોઈ રહ્યું છે ત્યારે તે યોગ્ય રીતે કરવું સૌથી મહત્ત્વનું છે એવી ચેતવણી ડોકટરો અને આરોગ્ય-નિષ્ણાતોએ આપી છે. ચેતવણી લેબલ્સ, ટ્રાફિક લાઇટ સિસ્ટમ, ન્યુટ્રી-સ્કોર, જીડીએ અને હેલ્થ સ્ટાર રેટિંગ (એચએસઆર) જેવી અનેક ડિઝાઇનો પસંદગી માટે ઉપલબ્ધ છે ત્યારે, સંશોધનો અને ગ્રાહક સર્વેક્ષણો દર્શાવે છે કે, વોર્નિંગ લેબલ્સ (ચેતવણી દર્શાવતા લેબલ્સ) ગ્રાહકોને આરોગ્યપ્રદ પસંદગી કરવામાં સૌથી વધારે મદદરૂપ પુરવાર થાય છે. જાણીતા ગ્રાહક અધિકાર નિષ્ણાત અને કન્ઝયુમર એજયુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર(સીઈઆરસી)ના ચીફ જનરલ મેનેજર,  શ્રી આનિંદિતા મહેતાએ જણાવ્યું કે, 'સંશોધનો દર્શાવે છે કે, નિસબત ધરાવતાં પોષક-તત્વોવાળા વોર્નિંગ લેબલ્સ, જાહેર-આરોગ્ય સુરક્ષિત કરવા માટે સૌથી શ્રેષ્ઠ છે. આ પ્રકારના વાંચવા માટે સરળ ફૂડ લેબલ્સ, જાહેર-આરોગ્યને તરત જ લાભદાયી નીવડે છે. વળી, હૃદયરોગની વૈશ્વિક ટકાવારીનો ૨૫ ટકા હિસ્સો ધરાવતા ભારતમાં, એફઓપીએલને પહેલીવાર યોગ્ય રીતે કરવું અતિઆવશ્યક છે. એફઓપીએલ નિયમનને ફરજિયાત બનાવવું જોઈએ અને નિશ્ચિત સમય-મર્યાદામાં અમલમાં મૂકવું જોઈએ.' ડો. આનંદિતા મહેતા એફઓપીએલ, 'એફએસએસએઆઈ' અંગેની કન્સલ્ટેટિવ કમિટીનાં સભ્ય રહી ચૂકયાં છે.
આ પરામર્શ બેઠકમાં એફએસએસએઆઈ તથા કન્ઝયુમર અફેર્સ ડિપાર્ટમેન્ટના વરિષ્ઠ અધિકારી, આઈઆઈએમ-અમદાવાદના સંશોધકો તેમ જ નાગરિક-સમાજ સંસ્થાઓના નામાંકીત પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ૨૦૧૮માં 'ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા'(એફએસએસએઆઈ)એ એફઓપીએલ માટે ડ્રાફટ નિયમન પ્રકાશિત કર્યું હતું, જે પછીથી વધુ ચર્ચા માટે પાછું ખેંચવામાં આવ્યું હતું. ડિસેમ્બર ૨૦૧૯માં, એફએસએસએઆઈએ એફઓપીએલને સામાન્ય લેબલિંગ નિયમનોમાંથી અલગ કરી દીધું અને હાલમાં નવા નિયમનને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે.

 

(3:55 pm IST)